નવી દિલ્હીઃ કોરોના રોગચાળાએ કેટલીય આરોગ્ય સેવાઓ અને ફાર્મા કંપનીઓને અબજોપતિ બનાવી દીધી છે. આમાં ડોલો 650 (Dolo 650) ટેબ્લેટના ઉત્પાકદકો પણ સામેલ છે. માર્ચ, 2020માં કોરોના રોગચાળાના પ્રકોપ પછી કંપનીએ રૂ. 350 કરોડથી વધુની ડોલો ગોળીઓ વેચી છે. રોગચાળા દરમ્યાન ડોક્ટરો સૌથી વધુ આ દવા લેવા માટે સલાહ આપતા રહે છે. આને કારણે ડોલો પર મીમ્સ શેર થતા રહે છે.આ મીમ્સ ક્યાંક ને ક્યાંક ડોલો 650 માટે જાહેરાતનું કામ કર્યું છે.
છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ઓમિક્રોનને લઈને ડર અને કેસો વધવાની સાથે સોશિયલ મિડિયા પર ફરી ડોલો પર મીમ્સ ને પોસ્ટ શેર થવા લાગી. આ મીમ્સ અને વેચાણમાં નોંધપાત્ર વધારાને કારણે ડોલો 650નો બજારહિસ્સો આશરે 60 ટકા પહોંચ્યો છે. ડોલોને બેંગલુરુની માઇક્રો લેબ્સ બનાવે છે. જાન્યુઆરીમાં પણ ડોલોના બજારહિસ્સામાં વધારો જોવા મળ્યો છે. ડોલો 650 પેરાસિટામોલ ટેબ્લેટ છે, જેનો ઉપયોગ તાવ અને પેઇનકિલર થાય છે.
એક અંદાજ પ્રમાણે ડોલો પર 80થી વધુ મીમ્સ પ્રચલિત છે. માઇક્રો લેબ્સના કાર્યકારી વીપી (માર્કેટિંગ) જયરાજ ગોવિંદરાજુએ કહ્યું હતું કે અમે એના કાયદાનુસાર પ્રચાર કરી રહ્યા છે અને પેક પર કાયદેસરની ચેતવણી પણ છે. તેમણે કહ્યું હતું કે જો પેરાસિટામોલનો યોગ્ય માત્રામાં ડોઝમાં લેવામાં આવે તો એને સહન કરવાવાળી દવામાં ઓળખવામાં આવે છે, પણ એનો ઓવરડોઝ લિવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.