કોઈને પણ તમારા યુઝર આઈડી, પાસવર્ડ આપશો નહીં: એનએસઈ

મુંબઈ તા.6 એપ્રિલ, 2023: નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ)એ ફરીએકવાર રોકાણકાર વર્ગને ચેતવણી આપતી અને સતર્ક કરતી અખબારી યાદી બહાર પાડી છે. એકસચેંજના ધ્યાનમાં આવ્યા મુજબ મોબાઈલ નંબર “7016252026”  મારફત કાર્યરત “પિરામિડ સોલ્યુશન” નામની હસ્તી સાથે સંકળાયેલી “અર્ચના પટેલ” નામની વ્યક્તિ શેરબજારમાં રોકાણ પર ખાતરીબંધ/ગેરન્ટી સાથે વળતર ઓફર કરી રહી છે. આ વ્યક્તિ અને હસ્તી રોકાણકારોને તેમનો યુઝર આઈડી અને પાસવર્ડ શેર કરવાનું કહીને રોકાણકારોને તેમના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની ઓફર પણ કરી રહી છે અને મોબાઈલ નંબર “9063288999” દ્વારા ઑપરેટ થતી “વિંગ્સ ટુ ટ્રેડ” નામની હસ્તી સાથે સંકળાયેલી “નાગા રથનમ” રોકાણકારોને તેમના યુઝર આઈડી અને પાસવર્ડ શેર કરવાનું કહીને ટ્રેડિંગ હેન્ડલ કરવાની ઑફર કરી રહી છે.

આ ઘટનાને ધ્યાનમાં રાખી નેશનલ સ્ટોક એકસચેંજ દ્રારા રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવી છે કે શેરબજારમાં  કોઈ પણ વ્યક્તિ/હસ્તી દ્વારા અપાતી ખાતરી/ ગેરંટી સહ વળતર ઓફર કરતી કોઈ પણ યોજના કે પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું નહિ, કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. વધુમાં, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ટ્રેડિંગ ઓળખપત્રો જેમ કે યુઝર આઈડી/પાસવર્ડ કોઈની સાથે શેર ન કરે. એ પણ નોંધવું જોઇએ કે ઉક્ત વ્યક્તિ/હસ્તી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સભ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી. આવાં પ્રતિબંધિત પ્રોડક્ટ્સ અને યોજનાઓમાં રોકાણ કરનારાઓને એક્સચેન્જ માન્ય કરતું નથી કે રક્ષણ આપતું નથી.