શિયાળાની મોસમ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ ભારતમાં એવિએશન ક્ષેત્રની નિયામક એજન્સી (રેગ્યુલેટર) ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આજથી શરૂ થયેલા અને આવતા વર્ષની 27 માર્ચે સમાપ્ત થનાર શિયાળાની મોસમના શેડ્યૂલ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરવાની એરલાઈન્સને મંજૂરી આપી છે.

ગયા વર્ષને શિયાળાની મોસમમાં DGCAએ 23,307 વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને મંજૂરી આપી હતી.

રેગ્યુલેટરે આજે જણાવ્યું છે કે તેણ આ વર્ષના વિન્ટર શેડ્યૂલ માટે ઈન્ડીગોને 6,006 સાપ્તાહિક ઘરેલુ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.

ઈન્ડીગો આજે દેશની સૌથી મોટી એરલાઈન છે.

રેગ્યુલેટરે એમ પણ કહ્યું છે કે તેણે સ્પાઈસજેટને 1,957 અને ગોએરને 1,203 વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.

હાલ ભારતમાં એરલાઈન્સને કોવિડ (કોરોના વાઈરસ) પૂર્વેના સમયમાં એમની કુલ જે વીક્લી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ હતી એની વધુમાં વધુ 60 ટકા ફ્લાઈટ્સને ઓરેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.