નવી દિલ્હીઃ વર્જિન ગ્રુપની હાયપરલૂપ ટેક્નોલોજી છેલ્લાં કેટલાંક વર્ષોથી વિકસિત થઈ રહી છે અને એની ટ્રાયલ પણ કરવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીના સફળ થવા પર વિશ્વભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મોટો ફેરફાર આવશે. હાયપરલૂપ સિસ્ટમથી પેસેન્જર અથવા કાર્ગે પોડ્સને 1000 કિલોમીટર પ્રતિ કલાકની વધુની સ્પીડની દોડાવી શકાશે. હાયપરલૂપની વેબસાઇટ પર રૂટ એસ્ટિમર અનુસાર દિલ્હીથી મુંબઈની આશરે 1153 કિલોમીટરનો પ્રવાસ માત્ર એક કલાક 22 મિનિટમાં પૂરી કરી શકાશે.
હાયપરલૂપ પોડ્સ ટ્યૂબમાં ટ્રાવેલ કરે છે, જે વેક્યુમ બનાવે છે. એ પોડ્સ સ્પીડને વધારવા મેગ્નેટિક લેવિટેશન અને પ્રોપેલ્શન ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરે છે. ટ્રેનની જેમ એ પોડ્સ એકસાથે ટ્રાવેલ કરી શકે છે, પણ એકબીજાથી સંકળાયેલા ન હોવાથી એ અલગ-અલગ સ્થળોએ જઈ શકે છે. વર્જિન હાયપરલૂપ સિસ્ટમ એરલોક્સનો ઉપયોગ કરે છે, જેનાથી એમાં સલામતી વધુ હોય છે. ઇમર્જન્સીની સ્થિતિમાં પેસેન્જરના બહાર નિકળવા માટે ટ્યૂબમાં પ્રત્યેક 75 મીટરે ઇમર્જન્સી એક્ઝિટ હશે. પર્યાવરણની દ્રષ્ટિએ એ ટેક્નોલોજી સારી છે અને એનાથી બહુ ઓછું પ્રદૂષણ થાય છે.
મુંબઈ અને પુણેની વચ્ચે પ્રવાસ કરતા યાત્રીઓ માટે સારા ચમાચાર છે. અત્યાર સુધી મુંબઈથી પુણે યાત્રા કરવામાં કમસે કમ સાડા ત્રણ કલાકનો સમય લાગે છે. જોકે નવી ટેક્નોલોજીને લીધે મુંબઈથી પુણેની વચ્ચેનો પ્રવાસ માત્ર 23 મિનિટમાં પૂરો થશે. મહારાષ્ટ્ર સરકારે પણ આ નવા પ્રોજેક્ટનું એલાન કર્યું છે, જે આધુનિક ટેક્નિકથી લેસ છે.