નવી દિલ્હીઃ આ રાષ્ટ્રીય પાટનગર શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે આવતા ઓક્ટોબરથી મધ્યમ અને ભારે કદના માલવાહક વાહનોને પાંચ મહિના સુધી પ્રવેશ ન આપવાનું નક્કી કર્યું છે. હેવી વેહિકલ્સને ઓક્ટોબરથી 2023ના ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં પ્રવેશવા દેવામાં નહીં. જોકે કાચા શાકભાજી, ફળ, અનાજ, દૂધ તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સાથેના વાહનોને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે.
સરકારના આ નિર્ણયનો વેપારીઓની સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ વિરોધ કર્યો છે. એનું કહેવું છે કે આને માલસામાનના ટ્રાન્સપોર્ટેશન પર આવા નિયંત્રણ-પ્રતિબંધને કારણે દિલ્હીમાં વેપાર-ધંધા પર માઠી અસર પડશે.