ડેટા પ્રતિબંધથી GDPમાં $17 અબજ સુધીનો ઘટાડો શક્યઃ UN

નવી દિલ્હીઃ ડેટા નિયંત્રણ નીતિ ભારતની ડિજિટલ સર્વિસિસની નિકાસને સીમિત કરી દેશે અને દેશના GDPમાં 0.2 ટકાથી 0.34 ટકા સુધીનો ઘટાડો કરે એવી શક્યતા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની વેપાર સંસ્થાના જણાવ્યાનુસાર એ વર્ષ 2025 સુધીના અર્થતંત્રના કદના લક્ષ્યમાં નવ અબજ ડોલરથી 17 અબજ ડોલરનો ઘટાડો કરે એવી શક્યતા છે.

ભારતમાં અપેક્ષા મુજબ મોટો ડિજિટલ સર્વિસ ઉદ્યોગ છે, જે વિદેશમાં મજબૂત જોડાણ ધરાવે છે. દેશમાં મોટાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રોવાળાં અને ઉચ્ચ જીવનશૈલી રાજ્યો મોટા પ્રમાણમાં સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) આકર્ષિત કરે છે. એ જ રીતે ઊંચી ડિજિટલ સર્વિસિસની નિકાસ નવા સંશોધન માટે કરાતી પેટન્ટ અને સ્ટાર્ટઅપ્સની સંખ્યા સાથે જોડાયેલી છે. એટલે ભારત ફ્રી ડેટા પ્રવાહથી થનારા લાભ માટેનું એક મોટું ઉદાહરણ છે. જોકે ડેટા નિયંત્રણો વિકાસ પર પ્રતિકૂળ અસર પાડશે, જેનાથી ડિજિટલ સર્વિસની નિકાસને અને GDPને નુકસાન થશે, એમ અંકટાડે ડિજિટલ અર્થતંત્રના રિપોર્ટમાં કહ્યું છે.

ભારત ઝડપથી એક રેગ્યુલેટરી મોડલ તરફ પ્રારંભિક રીતે આગળ વધી રહ્યું છે, જેમાં ભારતીયો અને અર્થતંત્રને ડેટા અને ડેટા સંચાલિત ક્ષેત્રોથી આર્થિક અને સામાજિક મહત્તમ લાભ થઈ શકે.

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 અને નેશનલ ઈ-કોમર્સ પોલિસી સ્પષ્ટરૂપે ભારતીયોને ડેટાનો લાભ ઉઠાવવાની ભારતની મહત્ત્વાકાંક્ષા જણાવે છે. જોકે પર્સનલ ડેટા પ્રોકેક્શન બિલ વ્યક્તિગત સંવેદનશીલ ડેટાને ભારતમાં સંગ્રહ કરવાની સાથે સરહદ પાર એ ડેટાને ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂકે છે.