મુંબઈઃ 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડની પેટા કંપની ટિકરપ્લાન્ટે ક્રિપ્ટોવાયર ક્ષેત્રનો વિકાસ કરવા માટે ગૂગલ ક્લાઉડ સાથે સહયોગ સાધ્યાની ગુરુવારે જાહેરાત કરી હતી. આ સમજૂતી કરાર દ્વારા ક્રિપ્ટો અને બ્લોકચેઇન ઉદ્યોગના તમામ લોકોને એકસમાન માધ્યમ પર સર્વિસિસ પ્રાપ્ત થઈ શકશે.
ટિકરપ્લાન્ટના સ્પેશિયલ બિઝનેસ યુનિટ – ક્રિપ્ટોવાયરની સ્થાપના વૈશ્વિક માધ્યમ તરીકે કરવામાં આવી છે, જે નવા ડિજિટલ એસેટ ક્લાસ એટલે કે ક્રિપ્ટોકરન્સી ઉપરાંત બ્લોકચેઇન ટેક્નોલોજી તથા તેના ઉપયોગના વિષયને લોકો માટે સમજવામાં સહેલો બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આ નવા ક્ષેત્રે ઉત્સુક વ્યક્તિઓ તથા પ્રોફેશનલ્સ સમજદારીપૂર્વક બિઝનેસના નિર્ણયો લઈ શકે એ હેતુથી એમને ઊંડાણપૂર્વકની માહિતી તથા અદ્યતન જ્ઞાન આપવા ગૂગલ ક્લાઉડ સાથે સહયોગ સાધવામાં આવ્યો છે.
ક્રિપ્ટો એસેટ અને બ્લોકચેઇન ટેક્નોલોજી વિશે ક્રિપ્ટોવાયરનાં અદ્યતન પોર્ટલ – ક્રિપ્ટો ટીવી અને ક્રિપ્ટો યુનિવર્સિટી મારફતે ટેક્નોલોજી અને જ્ઞાન પૂરું પાડવામાં આવશે. આ દિશામાં ટિકરપ્લાન્ટ ગૂગલ ક્લાઉડના સક્ષમ અને ઉત્કૃષ્ટ ડેટા મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે. તેના મારફતે ક્રિપ્ટોવાયરની એપ્લિકેશન્સનો વિસ્તાર કરવામાં આવશે.
ટિકરપ્લાન્ટ વિડિયો સ્ટ્રીમિંગ, કન્ટેન્ટ ડિલિવરી, સ્માર્ટ બિઝનેસ એક્ઝિક્યુશન અને ઓપોર્ચ્યુનિટી કન્વર્જન્સ જેવી પોતાની નવીન ક્ષમતાઓનો ઉપયોગ કરશે. ક્રિપ્ટોવાયર ગૂગલ ક્લાઉડની સ્માર્ટ ડેટા એનાલિટિક્સ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ ઓફર કરશે, એમ કંપનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ટિકરપ્લાન્ટના મેનેજિંગ ડિરેક્ટર-CEO જિગીશ સોનગરા આ સહયોગ વિશે જણાવે છે કે ક્રિપ્ટો અને બ્લોકચેઇન માર્કેટ અતિશય ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આવામાં રિયલ ટાઇમ ધોરણે આવશ્યક ટેક્નોલોજી પૂરી પાડી શકે એવા સહયોગીની જરૂર હતી. ગૂગલ ક્લાઉડની સાથે મળીને અમે સતત બદલાતા સંજોગોમાં સચોટ માહિતી સમગ્ર વિશ્વના લોકો સુધી ઝડપથી અને ચોકસાઈપૂર્વક પહોંચાડી શકીશું.
ટિકરપ્લાન્ટના ચીફ ઓપરેટિંગ ઓફિસર ઋષભ શાહનું કહેવું છે કે ગૂગલ ક્લાઉડના નેટવર્કનો ઉપયોગ કરીને ક્રિપ્ટોવાયર, ક્રિપ્ટો ટીવી અને ક્રિપ્ટો યુનિવર્સિટીએ વ્યાપક વૈશ્વિક વિકાસનો મંચ ખુલ્લો મૂક્યો છે, જેનો ઉપયોગ અલગ-અલગ દેશ, ઉદ્યોગો, સહભાગીઓ, નવી પેઢીના વેપાર સાહસિકો અને પ્રોફેશનલ્સ કરી શકશે.