બિટકોઇનની કિંમત એક લાખ ડોલરે પહોંચવાની શક્યતાઃ ગોલ્ડમેન

નવી દિલ્હીઃ ડિજિટલ કરન્સી બિટકોઇન જેમ-જેમ ડિજિટલ એસેટ્સ તરીકે વ્યાપક રૂપે માનવામાં આવશે, તેમ-તેમ એ સોનાનો બજારહિસ્સો ખૂંચવતી રહેશે. એનો અર્થ એ થયો કે લોકો બિટકોઇન પર સોનાથી વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે અને સૌથી મોટી આ ક્રિપ્ટો કરન્સીમાં મૂડીરોકાણ કરશે. આ સાથે બિટકોઇનની કિંમત આવનારાં વર્ષોમાં એક લાખ ડોલર સુધી જવાની સંભાવના છે. જોકે હાલ બિટકોઇનની કિંમત આશરે 47,000 ડોલર છે, એમ ગોલ્ડમેન સાક્સે કહ્યું હતું.

ગોલ્ડમેન સાક્સના અંદાજ મુજબ બિટકોઇનનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલ 700 અબજ ડોલરથી છે, જે સ્ટોર ઓફ વેલ્યુ બજારનો 20 ટકા હિસ્સો છે, જેમાં બિટકોઇન અને સોનું બંને સામેલ છે. મૂડીરોકાણ માટે ઉપલબ્ધ સોનાની કિંમત 2.6 ટ્રિલિયન ડોલર આંકવામાં આવી છે.

એક અહેવાલ મુજબ FX અને EM વ્યૂહરચનાના ગ્લેબલ હેડ Zach Pandhiએ નોટમાં કહ્યા મુજબ જો સંભવિતપણે માનવામાં આવે કે બિટકોઇનની સ્ટોર ઓફ વેલ્યુ માર્કેટ આગામી પાંચ વર્ષમાં 50 ટકા વધશે તો એની કિંમત એક લાખ ડોલરથી પણ વધુ વધવાની શક્યતા છે.

ગયા વર્ષે બિટકોઇનની કિંમતમાં 60 ટકાના વધારા પછી મંગળવારે ન્યુ યોર્કમાં એ આશરે 46,000 ડોલર પર ટ્રેડ કરી રહી હતી. બજાર મૂલ્યની દ્રષ્ટિએ સૌથી મોટી ડિજિટલ કરન્સીએ નવેમ્બરમાં આશરે 69,000નો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે 2016થી એની કિંમતોમાં 4700 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

બિટકોઇનને લાંબા સમયથી ડિજિટલ ગોલ્ડ કહેવામાં આવે છે અને સોના પર લાગુ થતી વાતો બિટકોઇન પર પણ લાગુ થાય છે, એ કોઈ વ્યાજ કે ડિવિડન્ડ નથી આપતી અને એ કોઈ પરંપરાગત એસેટ્સ જેવો દેખાવ પણ નથી કરતી.