ડોમિનોઝના 18 કરોડ ગ્રાહકોના ક્રેડિટ-કાર્ડની ડિટેલ લીક

નવી દિલ્હીઃ જો તમે પિત્ઝા ખાવાના શોખીન છો અને વારંવાર ડોમિનોઝ પર પિત્ઝાનો ઓર્ડર કરો છો, તો તમારા માટે આ ન્યૂઝ હેરાન કરનારા છે. ડોમિનોઝના 18 કરોડ યુઝર્સનાં નામ, ક્રેડિટ કાર્ડની ડિટેલ અને એડ્રેસ જેવી મહત્ત્વની માહિતી લીક થઈ ગઈ છે. હેકરોએ આ યુઝર્સર્નો ડેટા ઇન્ટરનેટ પર મૂકી દીધો છે. આવામાં યુઝર્સ માટે જરૂરી છે કે તેઓ પોતાનું ક્રેડિટ કાર્ડનો પિન નંબર તરત બદલી કાઢે.  

સિક્યોરિટી એક્સપર્ટના જણાવ્યા મુજબ યુઝર્સના 13000 GB ડેટા ડિટેલ ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે. આ મોટી સંખ્યામાં યુઝર્સના ક્રેડિટ કાર્ડનો ખોટો ઉપયોગ થાય એવી શક્યતા છે. જોકે ડોમિનોઝ ઇન્ડિયાએ એક મિડિયા સાથે વાત કરતાં યુઝર્સના ડેટા લીક થવાના અહેવાલોનું ખંડન કર્યું છે.

સિક્યોરિટી એક્સપર્ટ રાજશેખર રાજરિયાએ આ સંબંધમાં ટ્વીટ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડોમિનોઝ પિત્ઝાના યુઝર્સની ડિટેલ્સ ફરી એક વાક લીક થઈ ગઈ છે. હેકર્સે ડાર્ક વેબ પર એક સર્ચ એન્જિન બનાવી દીધું છે, જેમાં ડોમિનોઝ પિત્ઝાની 18 કરોડ ડિલિવરીથી જોડાયેલી ડિટેલ્સ જોઈ શકાય છે. એમાં નામ, ઈમેઇલ, ફોન નંબર અને જીપીએસ લોકેશન પણ દેખાય છે. ડોમિનોઝના આ યુઝર્સ ભારત સહિત અન્ય દેશોના પણ હોઈ શકે છે.

આ પહેલાં એર ઇન્ડિયાના 45 લાખ ગ્રાહકોની ખાનગી માહિતી પણ લીક થઈ હતી. સાઇબર હુમલામાં ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ અને ફોન નંબર ચોરી થયા હતા. એ સાથે ગ્રાહકોનાં નામ, જન્મ તિથિ, સંપર્કની માહિતી અને ટિકિટની માહિતી પણ ચોરી થઈ હતી. એર ઇન્ડિયાએ ઘોષણા કરી હતી કે ફેબ્રુઆરીમાં એના ડેટા પ્રોસેસર પર સાઇબર હુમલો થયો હતો. એર ઇન્ડિયાએ આશરે ત્રણ મહિના પછી આ ડેટા ચોરીનો ખુલાસો કર્યો હતો.