વનપ્લસ, ફ્લિપકાર્ટે લોન્ચ કર્યા સસ્તા સ્માર્ટ ટીવી

મુંબઈઃ ટેક્નોલોજી બ્રાન્ડ વનપ્લસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેણે બેંગલુરુસ્થિત ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથેની ભાગીદારી વધારી છે અને બંનેએ સાથે મળીને સસ્તી કિંમતવાળા સ્માર્ટ ટીવી બહાર પાડ્યા છે. વનપ્લસના Y-સિરીઝ ટીવી (40-ઈંચ) ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પર 26 મેથી રૂ.21,999ની કિંમતે ઉપલબ્ધ થશે. આ કિંમત પ્રારંભિક છે. આ ઓફર આવતી 31 મે સુધી લાગુ રહેશે.

વનપ્લસ ઈન્ડિયાના જનરલ મેનેજર વિકાસ અગ્રવાલે કહ્યું છે કે ફ્લિપકાર્ટ સાથે અમારી ભાગીદારી ગયા વર્ષથી શરૂ થઈ છે. એનાથી ગ્રાહકોના બહોળા વર્ગને લાભ થયો છે. એમને નીતનવી ટેક્નોલોજી પ્રાપ્ત થઈ રહી છે. વનપ્લસના વાઈ-સિરીઝના 40-ઈંચના ટીવીમાં વિવિધ શેડ્સ, કલર સ્પેસ મેપિંગ, ડાઈનેમિક કોન્ટ્રાસ્ટ, નોઈઝ રીડક્શન જેવા અનેક ફીચર છે. આ ટીવી વધુ સારા વ્યૂઈંગ અનુભવ માટે 93 ટકાનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો ધરાવે છે. આ ટીવી એન્ડ્રોઈડ ટીવી 9 દ્વારા સંચાલિત છે અને ઘણી ભાષાઓમાં ગૂગલ આસિસ્ટન્ટ સાથે ઈન્ટીગ્રેટેડ પણ છે.