74% ભારતીયો WFH પસંદ કરે છેઃ ‘એસોચેમ’નો સર્વે

મુંબઈઃ ભારતમાં ઉદ્યોગક્ષેત્રની આગેવાન સંસ્થા એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા દેશના આઠ શહેરોમાં એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 74 ટકા ભારતીયોએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલું લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ પણ તેઓ એમનાં ઘરમાંની વ્યવસ્થા સાથે જ ઓફિસ કે ધંધાકીય કામકાજ કરવાનું પસંદ કરે છે, કારણ કે એમનું માનવું છે કે કામકાજ કરવા માટે ઘરની બહાર નીકળી જાહેર પરિવહનના સાધનોનો ઉપયોગ કરવાનું હજી અસલામતીભર્યું છે.

એસોચેમ સંસ્થાએ આ સર્વેક્ષણ કન્સલ્ટિંગ કંપની પ્રાઈમસ પાર્ટનર્સની સાથે મળીને હાથ ધર્યો હતો. એમાં તેમને જાણવા મળ્યું છે કે મોટા ભાગનાં ભારતીયો કોરના વાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં રાખીને હજી પણ એમનાં ઘેરથી જ કામ કરવાનું પસંદ કરે છે.

આ સર્વેક્ષણ મુંબઈ, અમદાવાદ, કોલકાતા, પુણે, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈમાં હાથ ધરવામાં આવ્યો હતો.

કોરોનાનો ફેલાવો થવાને કારણે ભારતમાં ગયા માર્ચની 22 તારીખથી લાગુ કરાયેલું લોકડાઉન ધીમે ધીમે ઉઠાવવામાં આવી રહ્યું છે, પરંતુ છ મહિના થઈ ગયા છે, જનજીવન હજી રાબેતા મુજબનું થયું નથી.

ઘણી કંપનીઓએ કામકાજના સમયપત્રકને તબક્કાવાર બનાવ્યું છે અને કામકાજના કલાકોની બાબતમાં ઢીલ મૂકી દીધી છે.

સર્વેક્ષણમાં 79 ટકા લોકોએ કહ્યું કે આ રોગચાળાના સંકટકાળ દરમિયાન તેઓ એમના ઘરમાંથી જ કામ કરવામાં સફળ રહ્યાં છે. લોકડાઉનને 68 દિવસ બાદ ઉઠાવી લેવાયા બાદ પણ 74 ટકા લોકો હજી પણ ઘેરથી જ કામ કરવાનું પસંદ કરે છે.

માત્ર 26 ટકા લોકોએ જ કહ્યું કે તેઓ રોગચાળો હોવા છતાં ઓફિસમાં જઈને કામ કરવા માગે છે. 56 ટકા લોકોએ એમ કહ્યું કે તેઓ ઘેરથી થોડુંક કામ કરવાનું પસંદ કરશે. 18 ટકા લોકોએ કહ્યું કે ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) નીતિ ઘડાવી જ જોઈએ.

એસોચેમના જણાવ્યા મુજબ, કોર્પોરેટ કંપનીઓને પણ WFH વ્યવસ્થા લાભદાયી લાગી છે, કારણ કે એને કારણે તેઓ રીયલ એસ્ટેટ ખર્ચમાં કાપ મૂકી શક્યા છે અને એ બચતનો ઉપયોગ તાલીમ, સંશોધન અને ડેવલપમેન્ટ વગેરે જેવી બાબતોમાં કરી શકશે.