ધર્મના કારણે ઝોમેટોનો ફૂડ ઓર્ડર રદ કરનાર જબલપુરના ગ્રાહકને પોલીસે નોટિસ મોકલી

જબલપુર (મધ્ય પ્રદેશ) – ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોના પંડિત અમિત શુક્લ નામના એક ગ્રાહકને શહેરની પોલીસે નોટિસ મોકલી છે અને એની પાસેથી લેખિત ખાતરી માગી છે કે એ સમાજમાં ધાર્મિક વેરભાવનો ફેલાવો નહીં કરે. શુક્લ જબલપુર શહેરના જ વતની છે.

ઝોમેટોના વિવાદાસ્પદ ગ્રાહક અમિત શુક્લ (જમણે)

ઉલ્લેખનીય છે કે શુક્લએ ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે એણે ઝોમેટોને આપેલો એમનો ફૂડ ઓર્ડર રદ કર્યો છે, કારણ કે એનો ડિલીવરી બોય હિન્દુ નહોતો. એમના ટ્વીટ બાદ ઝોમેટોએ એના પ્રત્યાઘાતમાં ટ્વીટ કર્યું હતું કે ખોરાકને કોઈ ધર્મ હોતો નથી. ખોરાક સ્વયં જ ધર્મ છે.

જબલપુરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અમિત સિંહે કહ્યું છે કે અમે અમિત શુક્લને નોટિસ મોકલી છે. એમને ચેતવણી આપવામાં આવશે કે બંધારણના આદર્શોની વિરુદ્ધમાં જો એ કંઈ પણ ટ્વીટ કરશે તો એમની સામે પગલાં લેવામાં આવશે. એ હવે અમારી નજરમાં છે.

અમિત સિંહે કહ્યું કે અમે સુઓ મોટો (જાતે જ નિર્ણય લઈને) અમિત શુક્લને નોટિસ મોકલવાનું પગલું ભર્યું છે. પોલીસ હવે એમની પ્રવત્તિ પર નજર રાખી રહી છે.

અમિત સિંહે કહ્યું કે શુક્લએ બંધારણની એ જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં કોઈ પણ પ્રકારની અસ્પૃશ્યતાને કે ધાર્મિક એખલાસમાં ખલેલ પહોંચાડે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એ જો છ મહિનામાં ફરી આ પ્રકારની હરકત કરશે તો એને જેલમાં પૂરી દેવામાં આવશે.

શુક્લને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 107 (શાંતિ જાળવવા માટેની સુરક્ષા) અંતર્ગત નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઝોમેટોએ બિન-હિન્દુ ડિલીવરી બોયને બદલી નાખવાની શુક્લની માગણીને નકારી કાઢી હતી અને ઓર્ડર રદ કર્યા બાદ એમને પૈસા રીફંડ કર્યા નહોતા.

ઝોમેટોનો તે ડિલીવરી બોય ફૈયાઝ નામનો મુસ્લિમ છે. એણે આ ઘટના અંગે પોતાના પ્રત્યાઘાતમાં કહ્યું છે કે મને દુઃખ થયું છે, પણ હું આમાં શું કરી શકું… અમે ગરીબ છીએ. ઓર્ડર નોંધાવનાર એ વ્યક્તિને મેં એ જાણવા માટે ફોન કર્યો હતો કે તમારું ઘર કઈ જગ્યાએ આવેલું છે. પણ એમણે ઓર્ડર રદ કરી દીધો હતો.

ઓર્ડર સ્વીકારવાનો ગ્રાહક શુક્લએ ઈનકાર કર્યો એ વિશે પૂછતાં ઝોમેટોના મુસ્લિમ ડિલીવરી બોયે કહ્યું હતું કે ‘હાં, હર્ટ તો હુએ હૈ. અબ ક્યા બોલેંગે સર, અબ લોગ જૈસા બોલેંગે… સહી હૈ ઈસ પર ક્યા કર સકતે હૈ ગરીબ લોગ હૈ… સહના પડેગા સર,’ એવો પીટીઆઈનો અહેવાલ છે.