ગ્રાહકે બિન-હિન્દુ ડિલીવરી બોય પાસેથી ઝોમેટોનો ઓર્ડર લેવાનો ઈનકાર કર્યો; કેન્દ્રીય પ્રધાન ભડકી ગયા

મુંબઈ – પોતાનો રાઈડર (ડિલીવરી બોય) બિન-હિન્દુ હોવાને કારણે એક ગ્રાહકે ઓનલાઈન ફૂડ એપ ઝોમેટોમાંથી પોતાનો ફૂડ ડિલીવરી ઓર્ડર રદ કરતાં વિવાદ સર્જાયો છે. તે ગ્રાહકના ટ્વીટને ઝોમેટો સહિત અનેક લોકોએ વખોડી કાઢ્યું છે અને અમુક નેતાઓએ પણ વિવાદમાં એમના પ્રત્યાઘાત આપ્યા છે.

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આ બનાવ અંગે તીવ્ર પ્રત્યાઘાત આપતા કહ્યું છે કે આ તો દેશની એકતા માટે ખતરનાક કહેવાય.

આઠવલેએ એનડીટીવી ચેનલને કહ્યું કે, ‘યે સમાજ મેં ફૂટ ડાલનેવાલી ઘટના હૈ.’

‘આ બાબતમાં તપાસ યોજવી જ જોઈએ’, એમ પણ આઠવલેએ કહ્યું છે.

મધ્ય પ્રદેશના પંડિત અમિત શુક્લ નામના વ્યક્તિએ 30 જુલાઈ, મંગળવારે ઝોમેટોને ફૂડનો ઓર્ડર આપ્યો હતો. ઝોમેટોએ ઓર્ડર કન્ફર્મ થયા બાદ અમિતને મેસેજ કર્યો હતો કે ઝોમેટોનો ડિલીવરી બોય (જે એક બિન-હિન્દુ હતો) એ તમને ઓર્ડર ડિલીવર કરશે. પરંતુ અમિતને એ નામ પસંદ પડ્યું નહોતું અને એણે કહ્યું કે હાલ શ્રાવણ મહિનો ચાલે છે અને પોતે કોઈ બિન-હિન્દુ બોયના હાથે ઓર્ડર સ્વીકારી શકે એમ નથી. એટલે એની ઈચ્છા છે કે ડિલીવરી બોયને બદલી નાખવામાં આવે.

ત્યારબાદ ઝોમેટોએ અમિતને જવાબ આપ્યો હતો કે તમારો ઓર્ડર રદ કરવામાં આવે છે અને એ માટે તમારા 237 રૂપિયા કાપી લેવામાં આવશે.

અમિત શુક્લને ઝોમેટોનો આ વર્તાવ પસંદ પડ્યો નહોતો અને એમણે ટ્વિટર પર ઝોમેટોના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને લખ્યું હતું કે, મેં ઝોમેટોને આપેલો મારો ઓર્ડર રદ કર્યો છે. ફૂડ ડિલીવરી માટે મેં બિન-હિન્દુને મોકલવાનું કહ્યું હતું, પણ એણે કહ્યું કે તે રાઈડરને બદલી નહીં શકે અને ઓર્ડર કેન્સલ પર પૈસા રીફંડ પણ નહીં આપે. મેં એમને કહ્યું કે તમે મને ફૂડ ઓર્ડર સ્વીકારવા માટે મજબૂર કરી ન શકો. મારે રીફંડ જોઈતું નથી, મારો ઓર્ડર રદ કરો.

અમિત શુક્લએ ત્યારબાદ ઝોમેટોના કસ્ટમર કેર સાથે એમની થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે. એમણે કહ્યું છે કે ઝોમેટોવાળા આપણને પસંદ ન હોય એવા માણસો પાસેથી ડિલીવરી સ્વીકારવાની ફરજ પાડે છે. જો આપણે એ ન સ્વીકારીએ તો પૈસા રીફંડ આપતા નથી. સહકાર આપતા નથી. એટલે હું આ એપને રીમૂવ કરી દઉં છું તથા પોતે આ બાબતમાં એના વકીલો સાથે ચર્ચા કરશે.

ઝોમેટોએ અમિત શુક્લને જે જવાબ આપ્યો એની ટ્વિટર પર બહુ પ્રશંસા કરવામાં આવી છે. ઝોમેટોએ લખ્યું છે કે, ‘ફૂડને કોઈ ધર્મ હોતો નથી. એ સ્વયં એક ધર્મ છે.’

ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે પણ એક ટ્વીટ કર્યું છેઃ ભારતના ઉચ્ચ વિચારો અને અમારા માનવંતા ગ્રાહકો તથા પાર્ટનર્સની વૈવિધ્યતા બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમારા મૂલ્યોની આડે આવે એવો કોઈ પણ ધંધો ગુમાવી દેવાનો અમે જરાય અફસોસ કરતા નથી.

જમ્મુ અને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ પણ આ બનાવ અંગે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે હું  પ્રિય ઝોમેટો એપનો આદર કરું છું.

જોકે ઘણા લોકોએ હલાલ ફૂડ ડિલીવર કરવા બદલ ઝોમેટોને સવાલ પણ કર્યો છે.

ઝોમેટોએ અનેક પ્રકારના ટ્વીટ્સ બાદ એક નિવેદન પણ ઈસ્યૂ કર્યું હતું.