બીજિંગઃ ચીનની મોબાઇલ બનાવતી કંપની વિવો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દરોડા પાડ્યા પછી ચીને પ્રતિક્રિયા આપી છે. ચીને આશા દર્શાવતાં કહ્યું હતું કે ભારતની તપાસ એજન્સી કાયદાનું પાલન કરતાં સંપૂર્ણ કાર્યવાહી કરશે. દિલ્હી સ્થિત ચીની દૂતાવાસે એક નિવેદન જારી કર્યું હતું. આ પહેલાં પાંચ જુલાઈએ EDએ વિવો અને એના ડીલરથી જોડાયેલી 44 સાઇટ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા મની લોન્ડરિંગ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પાડવામાં આવ્યા હતા.
ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શાઓજિયાને કહ્યું હતું કે આશા છે કે વિવો ઇન્ડિયાની સામે તપાસ કાયદા હેઠળ કરવામાં આવશે. અમે આ મુદ્દાને બહુ ઝીણવટભરી નજરે જોઈ રહ્યા છીએ. ચીની સરકાર કંપનીઓના અધિકાર અને હિતની સુરક્ષા માટે હંમેશાં તેમની સાથે ઊભી છે.
ભારત દ્વારા ચીની કંપનીઓ પર સતત તપાસથી કંપનીઓની કામગીરીને અસર થાય છે. આ બાબતથી કપનીઓની શાખ ખરાબ થાય છે. બલકે, ભારતમાં બિઝનેસનો માહોલ પણ ખરાબ થાય છે. એનાથી ચીન સહિત અન્ય દેશોની કંપનીઓનો ભારતમાં મૂડીરોકાણ કરવાનો અને ઓપરેટ કરવાનો વિશ્વાસ તૂટે છે.
વર્ષ 2021માં ચીન અને ભારત વચ્ચે 100 બિલિયન ડોલરનો ઐતિહાસિક દ્વિપક્ષી વેપાર થયો હતો. આ દર્શાવે છે કે બંને દેશોની વચ્ચે આર્થિક અને વેપારી સહયોગની મોટી ક્ષમતા છે.
બીજી બાજુ, વિવો ઇન્ડિયાના ડિરેક્ટર્સ જેંગશેન વુ, ઝાંગ જી દેશ છોડીને જઈ ચૂક્યા છે. EDએ પાંચ જુલાઈએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત દક્ષિણ ભારતનાં રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના ઇનપુટને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.