ફિલ્મીહસ્તીઓ મારફત ટોઈલેટ પ્રોડક્ટ્સનો પ્રચાર: અક્ષયકુમાર મોખરે

મુંંબઈઃ ભારતમાં ટોઈલેટ અને ફ્લોરની સફાઈ કરતી પ્રોડક્ટ્સ વેચવા માટે કંપનીઓ ફિલ્મી હસ્તીઓનો ખૂબ ઉપયોગ કરે છે. આવી કંપનીઓ એમની પ્રોડક્ટ્સનો પ્રચાર કરવા માટે ફિલ્મી કલાકારોનો ઉપયોગ કરે છે. 

TAM મીડિયા રિસર્ચ કંપનીની એડેક્સ ઈન્ડિયાએ તૈયાર કરેલા એક અહેવાલ અનુસાર ટોઈલેટ ક્લીનર્સ ઉપરાંત ઠંડા પીણા, હેર ડાઈ, પાન મસાલા, વોશિંગ પાવડર અને લિક્વીડ જેવા ઉત્પાદનોનું વેચાણ વધારવા માટે ભારતમાં ફિલ્મી કલાકારો પાસે એનો પ્રચાર કરાવવામાં આવે છે. આવી ટોચની 10 સેલિબ્રિટી વ્યક્તિઓ છે – અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન, શાહરૂખ ખાન, તાપસી પન્નૂ, રણવીરસિંહ અને કરીના કપૂર-ખાન. આ કલાકારો આ વર્ષના જાન્યુઆરી-જૂન મહિનાઓ દરમિયાન સૌથી વધારે કંપનીઓની પ્રોડક્ટ્સની જાહેરખબરોમાં ચમક્યાં છે.

ફિલ્મી કલાકારો ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ ઘણી પ્રોડક્ટ્સનો પ્રચાર કરતો જોવા મળ્યો છે. અક્ષય અને એની પત્ની ટ્વિન્કલ તથા અમિતાભ અને જયા બચ્ચને 37-37 બ્રાન્ડ તથા રણવીર અને આલિયાએ 29 બ્રાન્ડનો પ્રચાર કર્યો છે. દેશભરમાં તમામ ટીવી ચેનલો પર કમર્શિયલ પ્રોડક્ટ્સની જાહેરખબરોમાં સૌથી વધારે ચમકેલાં ફિલ્મી કલાકારોમાં અક્ષયકુમાર મોખરે છે.