અમદાવાદ– શેરબજારમાં છેલ્લા બે દિવસનો ઘટાડો અટકી ગયો છે, અને આજે જીડીપી ડેટા જાહેર થાય તે પહેલા શેરબજારમાં જોરદાર લેવાલી આવી હતી, અને શેરોના ભાવ ઝડપી ઉછળ્યા હતા. સેન્સેક્સમાં પણ 400થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. તેમજ નિફટી પણ 10,750ની સપાટી કૂદાવી ગયો હતો. આજે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલીથી તેજી જોવાઈ હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 416.27(1.19 ટકા) ઉછળી 35,322.38 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 121.80(1.15 ટકા) ઉછળી 10,736.15 બંધ થયો હતો.આજે હેવીવેઈટ શેરો જેવાકે એચડીએફસી બેંક, એચયુએલ, એચડીએફસી, ઓએનજીસી, ઈન્ફોસીસ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોટક મહિન્દ્રામાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા, જેથી શેરોના ભાવ મજબૂત જ ખુલ્યા હતા. તે પછી જીડીપી ડેટા પ્રોત્સાહક આવવાના સમાચાર પાછળ જાણકાર વર્તુળોની નવી લેવાલી આવી હતી. આજે બેંક, ફાર્મા, ફાઈનાન્સિયલ સર્વિસ, આઈટીસ એફએમસીજી, મેટલ સેકટરના શેરોમાં સારી એવી ખરીદી રહી હતી. તેની સામે પીએસયુ બેંક, ઓટોમોબાઈલ, ફાર્મા અને રિયલ્ટી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી.
- બુધવારે એફઆઈઆઈએ રૂપિયા 1286 કરોડનું કુલ ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા રૂપિયા 492 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
- બુધવાર મોડીરાતે અમેરિકાનો ડાઉ જોન્સ 306 પોઈન્ટ વધી 24,668 બંધ રહ્યો હતો.
- નેસ્કેડ પણ 66 પોઈન્ટ વધી 7462 બંધ થયો હતો.
- અટલાન્ટા લીમીટેડના ઓડિટર પ્રાઈઝ વૉટરહાઉસે રાજીનામુ આપ્યાના સમાચારને પગલે અટલાન્ટા લીમીટેડના શેરમાં 20 ટકાની લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
- મનપસંદ બેવરેજિસમાં ચોથા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો.
- આઈસીઆઈસીઆઈ બેંકમાં 2 ટકાનું ગાબડું પડ્યું હતું. ચંદા કોચરની સ્વતંત્ર તપાસ થશે, જે સમાચાર પાછળ વેચવાલી આવી હતી.