બજેટ 23 જુલાઈએઃ નાણાપ્રધાન રોજગારીનો પટારો ખોલે એવી શક્યતા

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ શનિવારે જણાવ્યું હતું કે સંસદનું બજેટ સત્ર આગામી 22 જુલાઈથી 12 ઓગસ્ટ દરમ્યાન આયોજિત કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. નાણાપ્રધાન આગામી બજેટમાં યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે એવી શક્યતા છે, કેમ કે સરકાર બજેટમાં મોટા એલાન કરે એવી શક્યતા છે.

મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં યુવાઓ માટે રોજગારીનો પિટારો ખોલે એવી શક્યતા છે. બજેટમાં સર્વિસ સેક્ટર પ્રોત્સાહન યોજનાને લાગુ કરવા માટે CIIએ સરકારને સૂચન કર્યું છે. આ ક્ષેત્રમાં એનિમેશન, ગેમિંગ, રિટેલ, હોસ્પિટાલિટી, ટુરિઝમ, ફિલ્મ-મનોરંજન જેવાં ક્ષેત્ર સામેલ છે. PLI યોજનાઓથી સેગમેન્ટને ઘણો લાભ મળ્યો છે. એને અન્ય ક્ષેત્રમાં પણ લાગુ કરવાનું સૂચન છે.

દેશમાં કૌશલ વિકાસ યોજનાઓથી યુવાઓને ઘણો લાભ મળ્યો છે. નવી તકો પેદા કરવા માટે કૌશલ વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ, એમ સંસ્થાએ કહ્યું હતું. દેશમાં વડા પ્રધાન કૌશલ વિકાસ યોજના 4.0 ચલાવવામાં આવી રહી છે, જેમાં આવનારા કેટલાંક વર્ષોમાં વધુ ને વધુ યુવાઓને નોકરી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં નાણાપ્રધાન પહેલું બજેટ રજૂ કરશે, જેને લઈને સામાન્ય જનતામાં ઘણી ઉત્સુકતા છે, કેમ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે એમાં કેટલાંક ઐતિહાસિક પગલાંની જાહેરાત કરવામાં આવશે. નાણાપ્રધાન દ્વારા ગરીબ, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ અને યુવાઓ માટે બજેટમાં જાહેરાત થાય એના પર સૌની નજર છે.

નાણાપ્રધાન બજેટમાં ટેક્સ રિફોર્મ રજૂ કરે એવી શક્યતા છે, જેનો ઉદ્દેશ લોઅર ઇન્કમ પર ટેક્સ બોજ ઓછો કરવાનો છે.