નવી દિલ્હીઃ સરકારની તિજોરીમાં આવનારા પ્રત્યેક રૂપિયામાંથી ૫૮ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી, ૩૪ પૈસા ધિરાણ અને અન્ય જવાબદારીઓમાંથી, ૬ પૈસા કરવેરા સિવાયની આવક (જેમ કે ડિસઇન્વેસ્ટમેન્ટ)માંથી અને બે પૈસા ડેટ સિવાયની મૂડીગત રકમમાંથી આવશે.
બુધવારે રજૂ કરાયેલા બજેટ મુજબ, આવકના દરેક રૂપિયામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો ફાળો ૧૭ પૈસા હશે, જ્યારે કૉર્પોરેશન ટેક્સનો હિસ્સો ૧૫ પૈસા હશે.
સરકાર એક્સાઈઝ ડ્યુટીમાંથી દરેક રૂપિયામાંથી ૭ પૈસા અને કસ્ટમ ડ્યુટીમાંથી ૪ પૈસા કમાવાનું વિચારી રહી છે. આવક વેરા દ્વારા ૧૫ પૈસા મળશે.
ખર્ચ જોઈએ તો, સૌથી મોટો ખર્ચ વ્યાજની ચૂકવણીનો હશે, જે દરેક રૂપિયામાંથી ૨૦ પૈસાનો હશે. ત્યારબાદ રાજ્યોને આપવાના કરવેરા અને ડ્યુટીના હિસ્સા માટે ૧૮ પૈસા ખર્ચ થશે.
સંરક્ષણ ક્ષેત્ર માટેની ફાળવણી આઠ પૈસા છે.
કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ પરનો ખર્ચ દરેક રૂપિયામાંથી ૧૭ પૈસા હશે, જ્યારે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ માટેની ફાળવણી ૯ પૈસા રખાઈ છે.
‘નાણા પંચ અને અન્ય ટ્રાન્સફર’ પરનો ખર્ચ ૯ પૈસા નક્કી કરવામાં આવ્યો છે. સબસિડી અને પેન્શનનો હિસ્સો અનુક્રમે ૯ પૈસા અને ૪ પૈસા હશે.
સરકાર દરેક રૂપિયામાંથી ૮ પૈસાનો ખર્ચ ‘અન્ય ખર્ચ’ હશે.