નવું ટેક્સ રેજિમ ડીફોલ્ટ રહેશે, જૂનાનો ઓપ્શન ચાલુ રહેશે

મુંબઈઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને આવક વેરાની બાબતે ન્યૂ ટેક્સ રેજિમ દાખલ કરીને ઘણું મોટું પરિવર્તન કર્યું છે. અત્યાર સુધી જૂનું ટેક્સ રેજિમ મુખ્ય હતું, પણ હવે એના સ્થાને નવાને મુખ્ય બનાવવામાં આવ્યું છે. જો કે, કરદાતાઓ જૂના રેજિમની પસંદગી કરી શકશે. આ જ કારણ છે કે સરકારે જૂની પદ્ધતિમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી, જ્યારે નવીમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.

નાણાપ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યા મુજબ નવા ટેક્સ રેજિમ હેઠળ સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓને કરવેરો લાગુ નહીં પડે. આ જ રીતે નવા રેજિમમાં ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું છે.

અહીં જણાવવું રહ્યું કે ન્યૂ ટેક્સ રેજિમમાં કરમુક્તિની બેઝિક મર્યાદા ૨.૫ લાખથી વધારીને ૩ લાખ કરવામાં આવી છે, જ્યારે ઓલ્ડ રેજિમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓલ્ડ રેજિમમાં ૬૦ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ માટે બેઝિક મર્યાદા ૨.૫ લાખ છે, જ્યારે ૬૦ અને ૮૦ વર્ષની વચ્ચેનાઓ માટે ૩ લાખ અને ૮૦ વર્ષથી ઉપરના કરદાતાઓ માટે પાંચ લાખની મર્યાદા છે. ન્યૂ ટેક્સ રેજિમમાં એવો કોઈ તફાવત રાખવામાં આવ્યો નથી. રિબેટને લીધે હાલ પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કરવેરો ભરવાનો વારો આવતો નથી. ન્યૂ ટેક્સ રેજિમમાં આ મર્યાદા હવે સાત લાખ રૂપિયાની કરવામાં આવી છે.

ન્યૂ ટેક્સ રેજિમનો અમલ ૧ એપ્રિલ, ૨૦૨૦થી કરવામાં આવ્યો હતો. એમાં ડિડક્શન્સ અને એક્ઝેમ્પશન્સ મળીને કુલ ૭૦ લાભ મળતા નથી. આ લાભમાં એચઆરએ એક્ઝેમ્પશન, એલટીએ એક્ઝેમ્પશન તથા કલમ ૮૦સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા સુધીનાં ડિડક્શન મળે છે.

આવક વેરાની મુખ્ય રાહતની જાહેરાતો 

• હવેથી ન્યૂ ટેક્સ રેજિમ મુખ્ય રેજિમ બનશે. જો કે, નાગરિકો જૂની રેજિમનો પણ ઉપયોગ કરી શકશે

• વ્યક્તિગત કરદાતા માટે ન્યૂ ટેક્સ રેજિમમાં છ સ્લેબ હતા, જે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા

• ન્યૂ ટેક્સ રેજિમમાં નવ લાખની આવક ધરાવનારાએ ફક્ત ૪૫,૦૦૦ રૂપિયાનો કરવેરો ભરવાનો આવશે, જે આવકના પાંચ ટકા હશે

• ન્યૂ ટેક્સ રેજિમમાં સર્વોચ્ચ સરચાર્જ ૩૭ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરાયો છે. આ ફેરફાર બે કરોડ રૂપિયા કરતાં વધુની આવક ધરાવતા હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સને લાગુ પડશે. જેમનો પગાર ૫.૫ કરોડ રૂપિયા હશે એમને આશરે ૨૦ લાખ રૂપિયાની બચત થશે.

ન્યૂ ટેક્સ રેજિમના પાંચ સ્લેબ 

•      ૩-૬ લાખની આવક પર ૫ ટકા ટેક્સ

•      ૬-૯ લાખની આવકના સ્લેબ પર ૧૦ ટકા ટેક્સ

•      ૯-૧૨ લાખની આવકના સ્લેબ પર ૧૫ ટકા ટેક્સ

•      ૧૨-૧૫ લાખની આવકના સ્લેબ પર ૨૦ ટકા ટેક્સ

•      ૧૫ લાખ રૂપિયા કરતાં વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]