છેલ્લાં 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડોઃ સેન્સેક્સ 988 પોઇન્ટ અને નિફ્ટી 300 પોઇન્ટ તૂટ્યા

અમદાવાદ: ભારતીય શેરબજારમાં છેલ્લા 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. બજેટમાં કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાત નહીં આવતાં બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. બેન્ક નિફ્ટીમાં પણ 1000 પોઇન્ટ કરતાં વધુનો કડાકો થતાં બેન્ક નિફ્ટી 29,000ની નીચે સરક્યો હતો. સરકારી કંપનીઓમાં પણ ભારે વેચવાલીને પગલે પીએસયુ ઇન્ડેક્સ પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. જેથી સેન્સેક્સ 988 પોઇન્ટ તૂટીને 39,736 અને નિફ્ટી ઇન્ડેક્સ 300 પોઇન્ટ તૂટીને 11,662ના સ્તરે બંધ થયા હતા. મિકડેક ઇન્ડેક્સ 490 પોઇન્ટ તૂટ્યો હતો.


બજારની દ્રષ્ટિએ બજારને ઘણી અપેક્ષાઓ હતી. એલટીસીજીને મામલે બજારને નિરાશા હાથ લાગી છે. બજેટમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં પણ કોઈ બદલાવ ન કરાતાં બજારમાં વેચવાલી ફરી વળી હતી. આ ઉપરાંત બજેટમાં અર્થતંત્રને વેગ આપવા માટે કોઈ પ્રોત્સાહન પેકેજ ન મળતાં અને મોટા મૂડીરોકાણની જાહેરાત ન કરાતાં બજાર નિરાશ થયું હતું. ઇન્ફ્રા ક્ષેત્રે પણ મોટાં પ્રોત્સાહન જાહેર ન થતાં બજારમાં રિયલ્ટી અને ઇન્ફ્રા શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. નાણાપ્રધાને ડીડીટી નાબૂદ કરવા છતાં બજારમાં કોઈ સાનુકૂળ સ્થિતિ જોવા મળી નહોતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ઘટાડાને પગલે રૂ. 2.76 લાખ કરોડ ઘટી ગયા હતા. આઇટી સિવાય તમામ ઇન્ડેક્સમાં મંદી ફરી વળી હતી. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 8.16 ટકા તૂટ્યો હતો.