SME-લિસ્ટિંગને વેગ આપવા BSEનો મહારાષ્ટ્ર-સરકાર સાથે કરાર

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ લિસ્ટિંગથી થતા લાભ અંગેની જાગૃતિ મહારાષ્ટ્ર રાજ્યનાં SMEsમાં ફેલાવવા મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર કર્યો છે. આ સમજૂતી કરાર દ્વારા બીએસઈ SMEsમાં લિસ્ટિંગના લાભ અંગેની જાગૃતિ ફેલાવવા બૌદ્ધિક સંપત્તિ અને માનવ બળ પૂરું પાડશે અને SMEsને લિસ્ટિંગ માટે સક્ષમ બનાવશે. એ ઉપરાંત બીએસઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોના અધિકારીઓને SMEsને લિસ્ટિંગ માટે સક્ષમ બનાવવા માટેનો ટેકો અને તાલીમ પૂરી પાડશે.

અજય ઠાકુર, હેડ-બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સ સમજૂતી કરાર પ્રસંગે મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ તથા અન્ય પ્રતિનિધિઓ સાથે

આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ અને ખનીજપ્રધાન સુભાષ દેસાઈએ કહ્યું કે આ સમજૂતી કરારથી રાજ્યના માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને મૂડીબજારમાં જવામાં સહાય મળશે. બીએસઈ રાજ્યના બધા SME ઈન્ડસ્ટ્રીઝને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે.

BSEના SME એન્ડ સ્ટાર્ટઅપ્સ હેડ અજય ઠાકુરે કહ્યું કે આ સંયુક્ત પ્રયાસોથી અમે રાજ્યના વિવિધ SME પ્રતિનિધિઓ અને ઉદ્યોગનાં એસોસિયેશન્સનો સંપર્ક સાધી તેમને લિસ્ટિંગના લાભથી વાકેફ કરી શકીશું. એના દ્વારા વધુને વધુ SMEsને મૂડી બજારમાંથી ઈક્વિટી મૂડી એકત્ર કરવાનું ઉત્તેજન મળશે.