મુંબઈઃ છત્તીસગઢ રાજ્યનાં સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઈ)માં શેરબજારમાં લિસ્ટિંગના લાભો અંગેની જાગૃતિ લાવવા દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈ અને રાજ્ય સરકાર વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) કરાયો છે. બીએસઈ આ રાજ્યના એસએમઈને લિસ્ટિંગના લાભથી અવગત કરવા માટેનું માનવબળ પૂરું પાડશે. એ ઉપરાંત બીએસઈ છત્તીસગઢના જિલ્લા સ્તરના અધિકારીઓને આ અંગેની તાલીમ અને ક્ષમતા પૂરી પાડશે.
આ જોડાણના ભાગરૂપે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો મારફત એસએમઈ પ્રતિનિધિઓને ટેકો પૂરો પાડશે. રાજ્યના અને સ્થાનિક સ્તરના વેપાર સંઘો અને એસોસિયેશનો તેમના મેમ્બર્સને એસએમઈના લિસ્ટિંગના લાભોથી વાકેફ કરશે.
આ સમજૂતી કરાર અંગે રાજ્યના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના મુખ્ય સચિવ મનોજ કુમારે કહ્યું કે રાજ્ય માટે આ એમઓયુ સીમાચિહ્નરૂપ છે. આ એમઓયુ રાજ્યનાં એસએમઈને ઈક્વિટી મૂડી પ્રાપ્ત કરવામાં સહાયક બનશે, જેના દ્વારા તેઓ વિકાસ કરી શકશે. પરિણામે રાજ્યની આવક અને રોજગારીમાં વધારો થશે.
બીએસઈના એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે કહ્યું કે આ એમઓયુ મારફત બીએસઈ છત્તીસગઢ સરકાર સાથે મળીને રાજ્યનાં એસએમઈઝ વચ્ચે બીએસઈ એસએમઈ પર લિસ્ટિંગના ઉપલબ્ધ લાભ અંગેની જાગૃતિ ફેલાવશે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 353 કંપનીઓ નોંધાયેલી છે.