અમદાવાદઃ શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે રેકોર્ડ તેજી જારી રહી છે અને ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી ભવ્ય જીત પછી સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયાં હતાં. BSE સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. બે ટ્રેડિંસ સેશનમાં સેન્સેક્સ 1815 પોઇન્ટ ઊછળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.
BSE સેન્સેક્સ 431 પોઇન્ટ ઊછળીને 69,296.14 અને નિફ્ટી 168.30 પોઇન્ટ ઊછળીને 20,855.10ના મથાળે બંધ આવ્યો હતો. FIIએ સોમવારે રૂ. 2073.21 કરોડના શેરો ખરીદ્યા હતા.
નિફ્ટી બેન્ક અને મિડકેપ શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. બેન્કિંગ, PSE અને ઓટો શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જોકે IT, રિયલ્ટી, FMCG અને ફાર્મા શેરો પર વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ સતત 13મા દિવસે પણ રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 69,381 અને નિફ્ટીએ 20,864 અને નિફ્ટી મિડકેપે 44,188ની સપાટી સર કરી હતી. નિફ્ટી 50માંના 19 શેરો 52 સપ્તાહના રેકોર્ડ સ્તરે બંધ થયા હતા.
અદાણી ગ્રુપના શેરોમાં તેજી
અદાણી ગ્રુપના શેરોમાં ભારે તેજી થઈ હતી. ગ્રુપનું કુલ માર્કેટ કેપ રૂ. 14 લાખ કરોડે પહોંચ્યું હતું. આ ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. ત્રણ લાખ કરોડથી વધુનો વધારો થયો હતો.
BSE પર કુલ 3875 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાંથી 1786 શેરોમાં તેજી થઈ હતી અને 1970 શેરોમાં નરમ બંધ આવ્યા હતા, જ્યારે 119 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 375 શેરોએ 52 સપ્તાહની સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાની નીચલી સપાટી સર કરી હતી.