મુંબઈઃ રોકાણકારોમાં શિક્ષણ અને રક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (IOSCO) ‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક’ (WIW) ઝુંબેશ ચલાવે છે. ભારતમાં ‘સેબી’એ 23 નવેમ્બર, 2020થી શરૂ થતા સપ્તાહમાં આ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જે 29 નવેમ્બર, 2020 સુધી ચાલશે.
આ પ્રસંગે બીએસઈ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (IPF) રોકાણકારોમાં જાગૃતિ અને શિક્ષણના પ્રસાર માટે સ્પર્ધાઓ સહિત સંખ્યાબંધ પહેલો કરવામાં આવી છે.
‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક’નો પ્રારંભ ‘બીએસઈ’ ખાતે ‘સેબી’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી.પી. ગર્ગના હસ્તે ‘ઓપનિંગ બેલ રિંગિંગ’ સમારોહમાં કરવામાં આવ્યો ત્યારે ત્યાં ‘સેબી’ના, ‘બીએસઈ’ના અને નેશનલ એસોસિયેશન ઓફ બ્લાઈન્ડ એસોસિયેશન અને ‘નયન ફાઉન્ડેશન’ના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત હતા.
પ્રજ્ઞાચક્ષુઓ માટે બુકલેટ
BSE IPFએ આજે વર્લ્ડ ઈન્વેસ્ટર્સ વીકની ઉજવણીના પ્રારંભરૂપે બ્રેઈલ લિપિમાં કોમન સિક્યુરિટી માર્કેટ બુકલેટ લોન્ચ કરી હતી. મૂક બધીર રોકાણકારો માટે વિડિયો એડવર્ટાઈઝમેન્ટ્સ નામે મિ. રાઈટ પ્રસારિત કરી હતી.. ક્રિકેટની થીમ આધારિત ક્વિઝ પણ શરૂ કરવામાં આવી છે. આ સપ્તાહના દરેક દિવસે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
સિક્યુરિટીઝ માર્કેટનું કાર્ય બચતોને મૂડીરોકાણ હેતુઓ માટે વાળવાનું છે, જેનાથી મૂડી સર્જન અને આર્થિક વિકાસ થાય છે. સેબીનો એક હેતુ સિક્યુરિટીઝનાં હિતોના રક્ષણનો છે. આ માટે રોકાણકાર જાગૃતિ અને શિક્ષણ આવશ્યક છે, એમ સેબીના ચેરમેન અજય ત્યાગીએ કહ્યું હતું
‘શિક્ષિત રોકાણકાર એટલે રક્ષિત રોકાણકાર’: આશિષકુમાર ચૌહાણ
બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે રોકાણકાર શિક્ષણ અતિ મહત્ત્વનું છે, કારણ કે શિક્ષિત રોકાણકાર એટલે રક્ષિત રોકાણકાર અને એનાથી રિટેલ સામેલગીરી અને વિશ્વાસમાં વધારો થાય છે. અત્યારે જે જાહેરાતો કરવામાં આવી છે એમાં બીએસઈના રોકાણકાર શિક્ષણ અને રક્ષણ પ્રતિની કટિબદ્ધતા જોવામાં મળે છે.