મુુંબઈઃ બીએસઈ (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)એ 31 માર્ચ, 2021 અંતે સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ નાણાકીય પરિણામ જાહેર કર્યાં છે. બોર્ડે વર્ષ 2020-21 માટે રૂ.2ની મૂળ કિંમતના શેરદીઠ રૂ.21ના ડિવિડંડની ભલામણ કરી છે. સૂચિત ત્રિમાસિક ગાળામાં વહેંચણીપાત્ર નફો રૂ.32.57 કરોડ થયો છે, જે આગલા વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1.31 કરોડની ખોટ હતી. કાર્યકારી નફો રૂ.37.25 કરોડ થયો છે જે આગલા વર્ષના સમાન ગાળાના અંતે રૂ.22.15 કરોડની ખોટ હતી.
વિચારાધીન ત્રિમાસિક ગાળામાં કાર્યકારી નફાનું માર્જિન આગલા વર્ષના સમાન ગાળાના 19 ટકાથી વધીને 24 ટકા થયું છે.
માર્ચ 2021ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડના પ્રાપ્ત થયેલા ઓર્ડરમાં આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 62 ટકાનો વધારો થયો છે. ઈક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.3024 કરોડથી 92 ટકા વધીને રૂ.5,807 કરોડ થયું છે.
બીએસઈની નાણાકીય કામગીરી અંગે નુકતેચિની કરતાં બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે બીએસઈએ ઘણાં વર્ષોથી વેપાર કરવાની સૌથી ઝડપી ટેકનોલોજી દ્વારા ઉત્તમ સર્વિસીસ પૂરી પાડીને સાબિત કર્યું છે કે તે અત્યાધુનિક એક્સચેન્જ છે. સતત નવા સુધારા કરવામાં આવી રહ્યા છે જેનું પ્રતિબિંબ બીએસઈની કામગીરીમાં દેખાઈ રહ્યું છે.