4G ડાઉનલોડ સ્પીડમાં જિયો નંબર-1; અપલોડમાં વોડાફોન

મુંબઈઃ દેશની ટેલિકોમ રેગ્યૂલેટર એજન્સી TRAI તરફથી મળેલા નવા આંકડા અનુસાર, ગયા એપ્રિલ મહિનામાં રિલાયન્સ જિયો કંપની 4G સ્પીડ ચાર્ટમાં પહેલા નંબર પર રહી. તેનો ડેટા ડાઉનલોડ રેટ પ્રતિ સેકંડ 20.1 મેગાબાઈટ હતો. બીજી બાજુ, અપલોડ સ્પીડમાં વોડાફોને બાજી મારી હતી. અન્ય નેટવર્ક્સ કરતાં એની અપલોડ સ્પીડ વધારે – એટલે કે 6.7 Mbps હતી.

જિયોની ડાઉનલોડ સ્પીડ તેની સૌથી નિકટની હરીફ વોડાફોન કરતાં ત્રણ ગણી વધારે હતી. વોડાફોનની ડાઉનલોડ સ્પીડ 7 Mbps હતી. વોડાફોને આઈડિયા સાથે મર્જર કર્યું છે તે છતાં ટ્રાઈ સંસ્થાએ આઈડિયાની સ્પીડને અલગ તારવી છે, જે 5.8 એમબીપીએસ હતી. ત્રીજા ક્રમે ભારતી એરટેલ હતી – 5 એમબીપીએસ સ્પીડ સાથે.

અપલોડ સ્પીડ વિભાગમાં વોડાફોન 6.7 એમબીપીએસ સાથે નંબર-1 રહી જ્યારે આઈડિયા 6.1, જિયો 4.2 અને એરટેલ 3.9 સ્પીડ સાથે તે પછીના ક્રમે રહી. ડાઉનલોડ સ્પીડ ગ્રાહકોને ઈન્ટરનેટ પરથી કન્ટેન્ટ એક્સેસ કરવામાં મદદરૂપ થાય છે જ્યારે અપલોડ સ્પીડ એમને તેમનાં સંપર્કોને તસવીરો અને વિડિયો મોકલવામાં કે શેર કરવામાં મદદરૂપ થાય છે.