શેરોમાં તેજીઃ રોકાણકારોની સંપત્તિમાં છ લાખ કરોડનો વધારો

અમદાવાદઃ વૈશ્વિક સંકેતો તેજીમય રહેતાં ભારતીય શેરબજારોમાં તેજી થઈ હતી. જેથી નિફ્ટી 22,000ને પાર પહોંચ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ બે ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા.  નિફ્ટી એક્સપાયરીને દિવસે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. જેથી રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 5.83 લાખ કરોડનો વધારો થયો હતો.

US ફેડરલ રિઝર્વે એક નિવેદનમાં કહ્યું હતું કે બેન્ક વર્ષ 2024માં ત્રણ વાર વ્યાજદરોમાં કાપ કરવાના વલણ પર હજી પણ કાયમ છે. બેન્ક વ્યાજદરોમાં નરમ વલણ અપનાવતાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જેથી બજારની તેજીની આગેકૂચ રહી હતી.

વિશ્લેષકોએ કહ્યું હતું કે US ફેડ દ્વારા આ વર્ષમાં વ્યાજદરોમાં ત્રણ કાપના સંકેતથી બજારે રાહતના શ્વાસ લીધા છે. આ ઉપરાંત દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે અને માર્ચ ત્રિમાસિકનાં પરિણામો પણ જાહેર થવાનાં છે, પણ એ પહેલાં બજારમાં એક કરેક્શન આવવાની શક્યતા છે.

BSE સેન્સેક્સ 539.50 પોઇન્ટની તેજી સાથે 72,641.19ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 172.85 પોઇન્ટ ઊછળી 22,011.95ના સ્તરે બંધ આવ્યો હતો.  BSE અને NSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી રિયલ્ટીમાં ત્રણ ટકાની તેજી રહી હતી. આ સિવાય મેટલ અને PSU બેન્ક ઇન્ડેક્સ બે ટકાથી વધુની તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં આશરે 2.5 ટકાની તેજી થઈ હતી.

BSE પર આજે 3926 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2760 શેરો તેજી સાથે બંધ થયા હતા. જ્યારે 1064 શેરો નરમ બંધ આવ્યા હતા. આ સાથે 104 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 101 શેરો 52 સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા, જ્યારે 54 શેરો 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.