મુંબઈઃ અહીંના વરલી વિસ્તારમાં આવેલી પોતાની જમીન જાપાનની અગ્રગણ્ય લેન્ડ ડેવલપર કંપની સુમિતોમો રિયાલ્ટીની કંપની ગોઈસૂ રિયાલ્ટી પ્રા.લિ.ને વેચવાની જાહેરાત કર્યા બાદ વાડિયા ગ્રુપની કંપની બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યૂફેક્ચરિંગ કંપનીનો શેર છેલ્લા પાંચ વર્ષમાં આજે સૌથી ઊંચી સપાટી સુધી વધી ગયો હતો. બોમ્બે ડાઈંગે ગોઈસૂ સાથે રૂ. 5,200 કરોડમાં સોદો કર્યો છે જે ભારતનો મેગા લેન્ડ ડીલ બન્યો છે. વેચાણની જાહેરાતને પગલે બોમ્બે ડાઈંગનો શેર આજે શેરબજારમાં સવારના સત્રના ટ્રેડિંગમાં 20 ટકા જેટલો વધ્યો હતો અને પાંચ વર્ષમાં સૌથી ઊંચી સપાટીએ – રૂ. 168.6ના ભાવનો બોલાતો હતો.
રીટેલથી લઈને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યરત બોમ્બે ડાઈંગે વરલી વિસ્તારમાં આવેલી તેની 22 એકરની જમીન સુમિતોમો રિયાલ્ટી એન્ડ ડેવલપમેન્ટ કંપનીની પેટાકંપની ગોઈસૂ રિયાલ્ટીને વેચી દીધો છે. પોતાની પર વધી ગયેલા દેવાની ચૂકવણી કરવા તેમજ ભવિષ્યની યોજનાઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે બોમ્બે ડાઈંગે પોતાની જમીનનો પ્લોટ વેચી દીધો છે. કંપનીએ શેરબજારને જણાવ્યું છે કે શેરધારકોની મંજૂરી મળી ગયા બાદ બોમ્બે ડાઈંગને પહેલા ચરણ માટે ખરીદાર કંપની પાસેથી લગભગ રૂ. 4,675 કરોડ મળશે. રૂ. 525 કરોડની બાકીની રકમ બોમ્બે ડાઈંગ દ્વારા અમુક શરતોનું પાલન કરાયા બાદ એને ચૂકવાશે. ઉક્ત જમીનના પ્લોટ પર લગભગ 35 લાખ સ્ક્વેર ફૂટ નિવાસી તથા કમર્શિયલ પ્રોપર્ટીઝ બનાવી શકાશે.