આઇસી15 ઇન્ડેક્સ 339 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકામાં ઑગસ્ટ મહિનામાં ફુગાવો 3.7 ટકાના દરે વધ્યો એ જાહેરાત થયા બાદ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ નોંધાઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.01 ટકા (339 પોઇન્ટ) વધીને 34,077 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,738 ખૂલીને 34,373ની ઉપલી અને 33,641 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં સોલાના 3.65 ટકાની વૃદ્ધિ સાથે મોખરે હતો. લાઇટકોઇન, ઈથેરિયમ, બિટકોઇન અને ચેઇનલિંકમાં ત્રણેક ટકા સુધીનો વધારો થયો હતો.

દરમિયાન, ફિન્ચ કેપિટલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટોકરન્સી અને બ્લોકચેઇન ઉદ્યોગમાં મુખ્ય યુરોપિયન માર્કેટ્સમાં વધુ રોકાણ આવ્યું છે. એક અહેવાલ મુજબ યુરોપિયન સંસદસભ્યોમાંથી 90 ટકા લોકો ક્રીપ્ટોકરન્સી માટે કરવેરાનું કડક માળખું રચવાની તરફેણ કરે છે. બીજી બાજુ, રશિયાએ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન્સને કાનૂની સ્વરૂપ આપવાની તૈયારી કરી છે.