અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે વૈશ્વિક સંકેતોને કારણે ઘરેલુ શેરબજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ ખૂલતામાં ત્રણ ટકા ઘટ્યો હતો અને નિફ્ટીએ 24,000ની સપાટી તોડી હતી. રોજગારીના ખરાબ આંકડા આવતાં અમેરિકામાં મંદીની ચિંતા, પશ્ચિમ એશિયામાં જિયો પોલિટિકલ અનિશ્ચિતતાને કારણે વિશ્વના બજારોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જાપાનનનો નિક્કી આશરે 12 ટકા તૂટ્યો હતો. રોકાણકારોના રૂ. 16 લાખ કરોડ ડૂબ્યા હતા.
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોમાં 2.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક વેચવાલીથી સેન્સેક્સ 2222.55 પોઇન્ટ તૂટીને 78,759.40ના મથાળે બંધથયો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 662.10 પોઇન્ટ તૂટીને 24,055.60ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 2.45 ટકા તૂટીને 50,092.10, નિફ્ટી મિડકેપ 2.62 ટકા તૂટીને 70,936.90ના મથાળે બંધ રહ્યા હતા. BSEના બધા સેક્ટરના ઇન્ડેક્સમાં વેચવાલી થઈ હતી. ઓટો અને IT શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થવાની ભીતિએ એશિયન માર્કેટમાં જોરદાર વેચવાલી નીકળી હતી. રૂપિયો પણ ડોલરદીઠ 83.85ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો.
અમેરિકામાં જુલાઈમાં જોબ ડેટા નબળા આવતાં મંદીના ભણકારા વાગતાં નેસ્ડેક 2.43 ટકા તૂટીને 16,776.16ના મથાળે બંધ આવ્યો હતો, જે ઓલટાઇમ હાઇથી આશરે 10 ટકા તૂટ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ 1.51 ટકા તૂટ્યો હતો. આ સાથે uS ટ્રેઝરી બિલનું યિલ્ડ પણ ડિસેમ્બરના સ્તરથી નીચલા સ્તરે પહોંચ્યું હતું.
બીજી બાજુ, એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી સવારના સેશનમાં આજે ચાર ટકા તૂટ્યો હતો. ત્યાર બાદ બજાર બંધ થતા સમયે 10 ટકાથી વધુ તૂટ્યો હતો. જાપાનનો નિક્કી 11 જુલાઈના તેની ઓલટાઇમ ઊંચી સપાટીથી 20 ટકા કરતાં વધુ તૂટી ચૂક્યો છે.