મુંબઈઃ ઈક્વિટી માર્કેટની જેમ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ સોમવારે ઘટાડો થયો હતો. રોકાણકારો વધુ જોખમ ખેડવા તૈયાર ન હોય એવું દિવસભરના ઘટનાક્રમ પરથી જોઈ શકાતું હતું. સૌથી વધુ પ્રચલિત ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ બપોરે ચાર વાગ્યે લગભગ એક મહિનાના ગાળાની નીચલી સપાટીએ (લગભગ 39,000 ડોલર) પહોંચ્યો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઝડપી વધારો કરવામાં આવશે અને નાણાંની પ્રવાહિતા ઘટાડવા માટેનાં પગલાં ભરવામાં આવશે એવી ધારણાની પ્રતિકૂળ અસર ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પડી હતી.
ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નિરાશાનું વાતાવરણ છવાઈ જતાં અમુક જ કલાકોમાં 125 મિલ્યન ડોલર મૂલ્યની કરન્સીનું લિક્વિડેશન થયું હતું. તેમાંથી 95 ટકા ઓર્ડર લોંગ ઓર્ડર હતા. ક્રીપ્ટોના ફન્ડિંગ રેટ મંદીની સ્થિતિ દર્શાવે છે. ક્રીપ્ટોના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વર્તાય છે.
વૈશ્વિક ક્રીપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન 4 ટકા કરતાં વધારે ઘટીને કુલ 1.8 ટ્રિલ્યન ડોલરની આસપાસ રહ્યું હતું. બિટકોઇન એક તબક્કે 38,800 ડોલર અને ઈથેરિયમ 2,800 ડોલરની સપાટીએ પહોંચી ગયા હતા.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.94 ટકા (2,387 પોઇન્ટ) ઘટીને 58,092 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 60,479 ખૂલીને 60,911 સુધીની ઉપલી અને 57,421 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
60,479 પોઇન્ટ | 60,911 પોઇન્ટ | 57,421 પોઇન્ટ | 58,092 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 18-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
