16-17 ડિસેમ્બરે બેન્કકર્મીઓની દેશવ્યાપી હડતાળ

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની યોજના સામેના વિરોધમાં બેન્ક કર્મચારીઓના સંયુક્ત સંગઠન યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ (UFBU) દ્વારા 16 અને 17 ડિસેમ્બર – એમ બે દિવસ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક તથા યૂકો બેન્કે જણાવ્યું છે કે 16-17 તારીખે બેન્ક હડતાળને કારણે એમની કામગીરીઓ ખોરવાઈ જશે. એટીએમ સેવા પણ ખોરવાઈ શકે છે. આમ છતાં આ બેન્કોએ કર્મચારીઓના સંગઠનોને વિનંતી કરી છે કે તેઓ હડતાળ પાડવાનું રદ કરે, જેથી ગ્રાહકોને કોઈ તકલીફ ભોગવવી ન પડે.

ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના મહામંત્રી સંજય દાસનું કહેવું છે કે જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાથી અર્થવ્યવસ્થાના પ્રાથમિક ક્ષેત્રોને તેમજ સ્વયં-સહાયતા જૂથો અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને ધિરાણ પ્રવાહને પણ માઠી અસર પડશે.