વેજ, નોન-વેજ વિશે બરાબર સ્પષ્ટતા કરવાનીઃ હાઈકોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ખાદ્યપદાર્થોને લગતા બિઝનેસ સાથે સંકળાયેલા તમામ લોકોને આદેશ આપ્યો છે કે ખાદ્યપદાર્થો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રીઓ વિશે ગ્રાહકોને સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે જાણકારી આપવી ફરજિયાત છે. દરેક વ્યક્તિને એ જાણવાનો અધિકાર છે કે પોતે શું ખાય છે. છળકપટનો સહારો લઈને લોકોની થાળીમાં ગમે તે પીરસી શકાય નહીં. ન્યાયમૂર્તિઓ વિપીન સાંઘી અને જસમીત સિંહની વિભાગીય બેન્ચે તેના ચુકાદામાં જણાવ્યું છે કે, ફૂડ બિઝનેસ ઓપરેટરોએ ખાદ્યસામગ્રીના માત્ર કોડ-નેમ (સાંકેતિક નામ) જ દર્શાવવા ન જોઈએ, પરંતુ એ સામગ્રી કઈ વનસ્પિતમાંથી કે કયા પ્રાણીના શરીરના ઘટકમાંથી મેળવી છે કે તે કોઈ લેબોરેટરીમાં બનાવવામાં આવી કે નહીં એ પણ દર્શાવવું ફરજિયાત છે. તે સામગ્રીની ટકાવારી ખાદ્યપદાર્થમાં ભલે ગમે તેટલી હોય. ખાદ્યપદાર્થોની ચકાસણી કરવામાં સત્તાવાળાઓની ભૂલને કારણે કાયદાનું પાલન થતું નથી અને ફૂડ બિઝનેસ ઓપરેટરો ગ્રાહકો-જનતાને દગો દેતા રહે છે. ખાસ કરીને એવા લોકો સાથે દગો થાય છે જેઓ શુદ્ધ શાકાહારનું કડક રીતે પાલન કરે છે.

આ કેસ રામ ગોરક્ષા દળ નામના એક સંગઠને નોંધાવેલી પીટિશનને લગતો છે. આ સંસ્થા ગાયોનાં કલ્યાણ માટે કામ કરે છે. તેણે કોર્ટને જણાવ્યું હતું કે ઘરેલુ ઉપકરણો અને કાપડ-વસ્ત્રો સહિત જનતા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ ચીજવસ્તુઓ પર એની બનાવટની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓના આધારે ‘શાકાહારી’ કે ‘માંસાહારી’નું લેબલ લગાડેલું હોવું જોઈએ. હાઈકોર્ટે આ કાયદાનું પાલન ન કરનાર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાનો અને આ કેસમાં FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ને 31 જાન્યુઆરીએ નવી સુનાવણી વખતે અનુમોદન અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.