બે ટ્રાન્સઝેક્શન્સ વચ્ચે સમયમર્યાદા લવાશે? એટીએમ ફ્રોડ પર લગામ લગાવવા…

નવી દિલ્હીઃ એટીએમ ફ્રોડને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીએ કેટલાક ઉપાયો સૂચવ્યાં છે. કમિટીએ 2 એટીએમ ટ્રાંઝેક્શનનની વચ્ચે 6 થી 12 કલાક જેટલો સમય રાખવા માટે ભલામણ કરી છે. જો આ પ્રસ્તાવને માની લેવામાં આવે તો તમે નિર્ધારિત સમય સુધી પોતાના બેંક અકાઉન્ટમાંથી પૈસા નહીં કાઢી શકો.

દિલ્હી SLBC ના સંયોજક અને ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સના એમડી અને સીઈઓ મુકેશ કુમાર જૈને કહ્યું કે એટીએમથી થનારા મોટાભાગના ફ્રોડ રાત્રિના સમયે અથવા અડધી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં થાય છે. ત્યારે આવામાં એટીએમથી લેવડદેવડ પર કેટલાક નિયમો લાવવા એ મદદગાર સાબિત થઈ શકે છે. આ યોજના પર ગત સપ્તાહે 18 બેંકોના પ્રતિનિધિઓની બેઠક પર ચર્ચા થઈ હતી.

વર્ષ 2018-19 દરમિયાન દિલ્હીમાં 179 જેટલા એટીએમ ફ્રોડ કેસ નોંધાયાં હતાં. તાજેતરમાં મહિનાઓમાં કાર્ડના ક્લોનિંગ મામલાઓ પણ સામે આવ્યાં છે જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો શામેલ હતાં. વર્ષ 2018-19માં દેશભરમાં ફ્રોડના મામલાઓ વધીને 980 થઈ ગયાં, આ પહેલાંના વર્ષે આ મામલાઓની સંખ્યા 911 જેટલી હતી.
જૈને જણાવ્યું કે બેંકર્સે ઘણા બીજા સૂઝાવો પણ આપ્યાં છે, જેમાં અનઅધિકૃત રુપથી પૈસા નિકાળવાનો પ્રયત્ન કરવા પર અકાઉન્ટ હોલ્ડર્સને એલર્ટ કરવા માટે ઓટીપી મોકલવામાં આવશે. આ સિસ્ટમ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા થનારા ઓનલાઈન ટ્રાંઝેક્શન સમાન જ હશે. આ સિવાય બેંકર્સે એટીએમ માટે સેન્ટ્રલાઈઝ્ડ મોનિટરિંગ સિસ્ટમની પણ વાત કહી, જે OBC,SBI, PNB, IDBI બેંક અને કનારા બેંકમાં પહેલાથી જ લાગુ કરવામાં આવી ચૂક્યાં છે.