‘ગોલ્ડન ગર્લ’ સિંધુ મળી વડા પ્રધાન મોદીને…

પી.વી. સિંધુ 27 ઓગસ્ટ, મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી, એમને પોતે જીતેલો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ બતાવ્યો હતો. વડા પ્રધાન મોદીએ સિંધુને તે ગોલ્ડ મેડલ પહેરાવ્યો હતો. સિંધુની સાથે એનાં પિતા પી.વી. રામન્ના, કોચ પી. ગોપીચંદ, કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુ તથા બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ હિમંતા બિશ્વા શર્મા પણ ઉપસ્થિત હતાં. બેડમિન્ટનની રમતમાં સિંગલ્સનું વિશ્વવિજેતાપદ જીતનાર સિંધુ પહેલી જ ભારતીય ખેલાડી બની છે. વડા પ્રધાન મોદીએ સિંધુને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા અને બાદમાં ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ભારતનું ગૌરવ. એક ચેમ્પિયન જે દેશમાં ગોલ્ડ મેડલ લાવી છે અને સુવર્ણ ખ્યાતિ પણ લાવી છે.’ સિંધુ આજે વહેલી સવારે નવી દિલ્હી પાછી ફરી હતી. એરપોર્ટ પર એનું પ્રશંસકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સિંધુ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સનો સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

સિંધુએ ગયા રવિવારે સ્વિટ્ઝરલેન્ડના બાઝલમાં રમાઈ ગયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સ ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને સીધા સેટના મુકાબલામાં 21-7, 21-7થી પરાજય આપ્યો હતો.

સિંધુએ બાદમાં પોતાનાં ટ્વિટર હેન્ડલ પર વડા પ્રધાન મોદીનો આભાર માનતાં લખ્યું છે કે, ‘થેંક્યૂ યૂ સો મચ સર, તમારા આ સ્નેહભર્યાં શબ્દો અને આશીર્વાદ બદલ.’વડા પ્રધાનને મળી એ પહેલાં સિંધુ કેન્દ્રીય પ્રધાન રિજીજુને એમની ઓફિસમાં જઈને મળી હતી.

સ્પોર્ટ્સ પ્રધાન રિજીજુએ સિંધુને ભારત સરકાર તરફથી રૂ. 10 લાખના રોકડ ઈનામનો ચેક આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]