સુપ્રીમમાં કોરોનાની સંબંધિત દવાઓને GSTમાંથી છૂટ માટે અરજી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રેમડિસિવિર, ટોસિલિજુમાબ, ફેવિપિરાવિર અને અન્ય કોવિડ-19 સંબંધિત દવાઓને જેનેરિક બંધારણ તેમ જ મેડિકલ ઇક્વિપમેન્ટને GSTમાંથી છૂટ આપવા વિનંતી કરવામાં આવી છે. બિનસરકારી સંસ્થા (NGO) પબ્લિક પોલિસી એડવોકેટ્સે કોર્ટમાં કોરોના રોગચાળા સમયમાં જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય સંબંધમાં હસ્તક્ષેપની અરજી હેઠળ આ માગ ઉઠાવવામાં આવી છે. આ અરજીમાં સંસ્થાએ કોર્ટને સરકારને દિશાનિર્દેશ અને નોટિફિકેશન જારી કરવા નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો છે.

આ અરજીમાં કેન્દ્રને કોવિડ-29 સંબંધિત દવાઓ રેમડિસિવિર, ટોસિલિજુમાબ ફેવિપિરાવિર અને અન્ય કોવિડ-19 સંબંધિત દવાઓનેને GSTમાંતી મુક્તિ આપવા માટે આદેશ આપવા અથવા નોટિફિકેશન બહાર પાડવા માગ કરવામાં આવી છે. આ અરજીમાં ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલના સેક્રેટરિયેટની તત્કાળ બેઠક બોલાવવા અને કોવિડ સંબંધિત દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટ- જેમાં વેન્ટિલેટર, મેડિકલ-ગ્રેડ ઓક્સિજન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને GSTમાંથી સીધી છૂટ આપવા માટે માગ કરવામાં આવી હતી.

દેશમાં કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે કોરોના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો, જેથી ઉપરોક્ત દવાઓ અને આવશ્યક મેડિકલ ઇક્વિપમેન્ટ્સની માગમાં રાતોરાત અનેક ગણો વધારો થયો હતો, એમ આ અરજીમાં કહ્યું હતું.

NGOએ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એક્ટ, 2017 અને રાજ્યના કાયદાઓની કલમ અને GST હેઠળની જોગવાઈઓ અનુસાર કોરોના સંબંધિત દવાઓ, અન્ય મેડિકલ ટ્રીટમેન્ટને છૂટની માગ કરી હતી.