બજારમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 985 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ એપ્રિલના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો હતો. નાણાકીય શેરોમાં ભારે વેચવાલીને પગલે બજારમાં દબાણ થયું હતું. બીજી બાજુ બોન્ડ યિલ્ડમાં વધારાએ પણ શેરબજારોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. વળી, દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થતાં રોકાણકારોએ શેરોમાં વેચવાલી કાઢી હતી. જેથી BSE સેન્સેક્સ 983.58 પોઇન્ટ તૂટીને 48,782.36એ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 263.80 પોઇન્ટ તૂટીને 14,631.10 બંધ આવ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ નરમ બંધ રહ્યા હતા.

સપ્તાહના છેલ્લા દિવસે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સિવાય બધા સેક્ટરના શેરોમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ત્રણ ટકા અને પ્રાઇવ્ટ બેન્ક ઇન્ડેક્સ અઢી ટકા તૂટ્યા હતા. એફએમસીજી, ઓટો અને સરકારી બેન્ક ઇન્ડેક્સ એક-એક ટકો ઘટ્યા હતા. આઇટી અને રિયલ્ટી શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું. જોકે સ્ટોક સ્પેસિફિક કામકાજ વધુ થયાં હતાં.  જોકે ઓઇલ અને ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી. બજારનું સેન્ટિમેન્ટ નરમ જણાતું હતું.

શુક્રવારે 101 કંપનીઓના શેરો 52 સપ્તાહની મહત્તમ સપાટી હાંસલ કરી હતી, જ્યારે માત્ર સાત કંપનીઓએ 52 સપ્તાહની નીચલી સપાટી સર કરી હતી.