નવી દિલ્હીઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ યુવાનોને ભારતીય સેનામાં ત્રણ વર્ષ સુધી સેવા આપવા સંબંધિત ‘ટૂર ઓફ ડ્યૂટી’ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. માત્ર એટલું જ નહી મહિન્દ્રાએ ભારતીય સેનાને ઈ-મેઈલ કરીને કહ્યું છે કે, જો આવું કરવામાં આવે તો સેનામાં ત્રણ વર્ષમાં આવો કોર્સ કરીને આવનારા યુવાનોને તેમના બિઝનેસ સમૂહમાં નોકરી આપવામાં આવી શકશે. સેનાને લખેલા મેઈલમાં મહિન્દ્રાએ લખ્યું કે, તાજેતરમાં જ મને સમાચાર મળ્યા છે કે, ભારતીય સેના ‘ટૂર ઓફ ડ્યૂટી’ સંબંધિત નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ અંતર્ગત યુવાનો, ફિટ નાગરિકોને સ્વૈચ્છિક આધાર પર સેના સાથે એક જવાન અથવા ઓફિસર તરીકે જોડાઈને ઓપરેશનલ એક્સપિરિયન્સ મેળવવાની તક મળશે.