મુંબઈઃ ફર્નિચર અને હોમ ગૂડ્સ ક્ષેત્રમાં મુંબઈની જાણીતી ઈ-કોમર્સ કંપની પેપરફ્રાયના સહ-સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર આશિષ શાહે આજે સવારે ટ્વિટરના માધ્યમથી જ્યારે એવી જાણ કરી કે એમના સાથી સહ-સંસ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અંબરીશ મૂર્તિનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે ત્યારે દેશના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આંચકાનો અનુભવ થયો હતો.
51 વર્ષના મૂર્તિ લદાખના લેહમાં એક મોટરસાઈકલ ટ્રિપ પર ગયા હતા. તેઓ મનાલી-લેહ હાઈવે પર મોટરસાઈકલ ચલાવી રહ્યા હતા ત્યારે એમને હાર્ટ એટેક આવ્યો હતો. એમણે પોતાની એ સફરની તસવીરો એમના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી. આશિષ શાહે ટ્વીટમાં લખ્યું છે કે મૂર્તિના નિધન સાથે મેં મારો મિત્ર, માર્ગદર્શક, ભાઈસમાન અને આત્મજન ગુમાવ્યો છે. શાહના આ ટ્વીટ બાદ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના અનેક અગ્રણીઓ દ્વારા શોકસંદેશા આવવાનું શરૂ થયું હતું.
અંબરીશ મૂર્તિ ઈ-કોમર્સ ક્ષેત્રમાં જાણીતા બન્યા હતા. તેઓ દિલ્હીની એન્જિનિયરિંગ કોલેજમાં અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તામાં ભણ્યા હતા. 2021માં એમણે આશિષ શાહ સાથે મળીને ભારતની ઓનલાઈન ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાય કંપનીની સ્થાપના કરી હતી. તે પહેલાં એમણે ઈબે ઈન્ડિયા, ફિલિપિન્સ અને મલેશિયાની કંપનીઓમાં કન્ટ્રી મેનેજર તરીકે કામ કર્યું હતું. તેઓ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વાઈસ-ચેરમેન પદે પણ રહ્યા હતા.
પેપરફ્રાય કંપનીએ 2020માં ભંડોળ એકત્ર કર્યું હતું ત્યારે એની માર્કેટ વેલ્યૂ 50 કરોડ ડોલર હતી. એમણે આઈપીઓ દ્વારા એમની કંપનીને શેરબજારમાં રજિસ્ટર કરવાનું વિચાર્યું હતું. એની પર તેઓ કામ કરી રહ્યા હતા, પરંતુ એમની ઈચ્છા પૂરી થાય એ પહેલાં એમનું નિધન થયું છે.
