એર ઈન્ડિયા દેશભરમાં 14 પ્રોપર્ટી વેચશે; રૂ. 250 કરોડ ઊભાં કરશે

મુંબઈ – રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાએ તેની 14 પ્રોપર્ટીઓ વેચવા મૂકી છે અને એ માટે હરાજી શરૂ કરાવી છે. આ વેચાણ દ્વારા તે રૂ. 250 કરોડનું ભંડોળ હાંસલ કરવા ધારે છે.

એર ઈન્ડિયામાં પોતાનો વ્યૂહાત્મક હિસ્સો વેચવામાં ગયા મે મહિનામાં નિષ્ફળતા મળ્યા બાદ કેન્દ્ર સરકાર હવે એરલાઈનની આર્થિક સ્થિતિ સુદ્રઢ કરવા પ્રયત્નશીલ છે.

એર ઈન્ડિયાએ જે પ્રોપર્ટી વેચવા મૂકી છે તે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, પુણે અને અમૃતસરમાં આવેલી છે. આ પ્રોપર્ટી કમર્શિયલ તેમજ રહેણાંક જમીન છે. તે ઉપરાંત રહેણાંક ફ્લેટ્સનો પણ આમાં સમાવેશ થાય છે.

હરાજીમાં ભાગ લેવાની અંતિમ તારીખ 1 નવેંબર છે, એવું જાહેરખબરમાં જણાવાયું છે.

એર ઈન્ડિયાને માથે હાલ રૂ. 50 હજાર કરોડથી પણ વધુનું દેવું છે.

તેના ઓડિટેડ એકાઉન્ટ્સ અનુસાર, વર્ષ 2016-17માં એર ઈન્ડિયાની કુલ ખોટ રૂ. 47,145.62 કરોડ હતી.