લઘુ ઉદ્યોગો, બેરોજગારોને મદદરૂપ થઈશું: બાઈડનની ખાતરી

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા અને 20 જાન્યુઆરીએ પ્રમુખ તરીકે શપથ લેનાર જૉ બાઈડને આજે કહ્યું છે કે કોવિડ-19 રોગચાળાના સંકટને કારણે નુકસાન પામેલા દેશના અર્થતંત્રમાં નવા પ્રાણ પૂરવા માટે તેમણે 1.9 લાખ કરોડ ડોલરનું ‘અમેરિકા રાહત પેકેજ’ ઘડ્યું છે જે અંતર્ગત નાના ઉદ્યોગોને સહાયતા કરવામાં આવશે, બેરોજગારીની સમસ્યા હળવી કરવા પર ધ્યાન અપાશે અને અન્ન સહાયતા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

એક ટ્વીટમાં બાઈડને આ મુદ્દાઓ વિશે લખ્યું છેઃ ‘સીધી રોકડ રકમની ચૂકવણી. બેરોજગારો માટે વધુ મદદ. ભાડાની સમસ્યામાં રાહત. અન્ન સહાયતા. લઘુ ઉદ્યોગોને મદદ. આવશ્યક સેવાઓના કર્મચારીઓને નોકરીમાં ચાલુ રાખવા. આ છે મારા ‘અમેરિકન રેસ્ક્યૂ પ્લાન’ના અમુક મુદ્દા.’ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલાં કમલા હેરિસે પણ એક ટ્વીટમાં બાઈડનને ટાંકીને એમને સમર્થન આપ્યું છે. અને કહ્યું છે કે જેમને અત્યંત તાતી જરૂર હશે એવા લોકોને 2,000 ડોલરની રોકડ રાહત પૂરી પાડવાનું કામ અમે પૂરું કરીશું. હાલ અપાતા 600 ડોલરની રકમ પૂરતી નથી.