બચાવ-ફ્લાઈટ્સ પાછળનો ખર્ચ પ્રતિ-કલાક રૂ.7-8 લાખ

નવી દિલ્હીઃ રશિયાએ આક્રમણ કર્યા બાદ યૂક્રેનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. ત્યાં કામસર ગયેલા ભારતીયો કે ભણવા માટે ગયેલાં ભારતીય વિદ્યાર્થીઓને સુખરૂપ ઉગારવાની ભારત સરકારે ભગીરથ કામગીરી હાથ ધરી છે. એ માટે ખાનગી ક્ષેત્રની એર ઈન્ડિયા એરલાઈન સરકારને મદદરૂપ થઈ રહી છે. એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઈટ્સ દ્વારા અત્યાર સુધીમાં સેંકડો ભારતીયોને સ્વદેશ પાછાં લાવી શકાયાં છે. યૂક્રેનમાં 15-20 હજાર જેટલા ભારતીયો હોવાનો અંદાજ છે. ભારત સરકારે આ ફ્લાઈટ્સને ચાર્ટર્ડ કરી છે.

કહેવાય છે કે યૂક્રેનમાંથી ભારતીય નાગરિકોને ઉગારવા પાછળ કેન્દ્ર સરકારને ખાસ્સો એવો ખર્ચ થઈ રહ્યો છે. પ્રત્યેક બે-તરફી ફ્લાઈટ માટે રૂ. 1.10 કરોડનો ખર્ચ થશે. એર ઈન્ડિયા આ કામગીરી માટે પહોળી બોડીવાળું બોઈંગ 787 વિમાન, જેને ડ્રીમલાઈનર કહે છે, તેને ઉતાર્યું છે. એમાં 250થી વધારે સીટ હોય છે. એર ઈન્ડિયાના વિમાનો યૂક્રેનની પડોશમાં આવેલા રોમાનિયા અને હંગેરી દેશોમાંથી ભારતીય નાગરિકોને સ્વદેશ લાવ્યા છે.

ડ્રીમલાઈનરવાળી ફ્લાઈટ માટેનો ખર્ચ પ્રતિ કલાક રૂ.7-8 લાખનો થયો છે. વિમાનને જેટલે દૂર સુધી મોકલવું પડે એટલો ખર્ચ વધી જાય. આ ખર્ચમાં ક્રૂ મેમ્બર્સ, ઈંધણ, નેવિગેશન, લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જિસનો સમાવેશ થાય છે. આ ફ્લાઈટ્સ લાંબી અવધિવાળી હોય છે તેથી એમાં ક્રૂ સભ્યોને બે જૂથમાં રાખવા પડે છે. ફ્લાઈટના પહેલા ચરણમાં જે ક્રૂ સભ્યોએ સેવા બજાવી હોય તેઓ વળતા ચરણમાં આરામ લેતા હોય છે. એમની જગ્યાએ ક્રૂનું બીજું જૂથ સેવા બજાવે છે.

ગઈ 24 ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ કર્યા બાદ યૂક્રેને નાગરિક ફ્લાઈટ્સ માટે પોતાની હવાઈસીમા બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ હાલ રોમાનિયાના બુકારેસ્ટ અને હંગેરીના બુડાપેસ્ટ શહેરોમાંથી ભારતીયોને સ્વદેશ લાવવાની કામગીરી બજાવી છે. આ બંને શહેર ખાતે તેની શેડ્યૂલ ફ્લાઈટ નથી. બુકારેસ્ટમાંથી ફ્લાઈટ છ કલાકે મુંબઈ આવી હતી. બુડાપેસ્ટમાંથી પણ ફ્લાઈટ છ કલાક જેટલા જ સમયમાં દિલ્હી પહોંચી હતી. પરંતુ દિલ્હીથી બુકારેસ્ટ ફ્લાઈટને સાત કલાક લાગ્યા હતા.

આ કામગીરી માટે ભારત સરકારે ઉગારવામાં આવેલા ભારતીય નાગરિકોને કોઈ પૈસા ચાર્જ કર્યા નથી. કેટલીક રાજ્ય સરકારોએ જાહેરાત કરી છે કે યૂક્રેનમાંથી પાછાં આવનાર પોતપોતાનાં નાગરિકોનો ખર્ચ તેઓ ભોગવશે. ડ્રીમલાઈનર વિમાનમાં પ્રતિ કલાક સરેરાશ પાંચ ટન ઈંધણ વપરાય છે. બચાવ કામગીરી પૂરી થઈ જશે તે પછી ખર્ચનો પાકો આંકડો નક્કી થશે. ત્યારે એરલાઈન બિલ કેન્દ્ર સરકારને મોકલી આપશે.