શેરબજારમાં શરૂની મજબૂતી પછી નરમાઈ, સેન્સેક્સ 129 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં સતત બે ટ્રેડિંગ સેશનમાં મજબૂતી આવ્યા પછી આજે નરમાઈ રહી હતી. અમેરિકાની ફેડરલ રીઝર્વે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે, જેને પગલે ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ હતા. આજે પીએસયુ બેંક અને રિયલ્ટી સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને માર્કેટ પર પ્રેશર રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 129.91(0.39 ટકા) ઘટી 33,006.27 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 40.50(0.40 ટકા) ઘટી 10,114.75 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં ઓપન થયા હતા. અમેરિકાની ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં વધુ વધારાનો સંકેત આપ્યો છે, 2018માં બે વખત વ્યાજદરમાં વધારો કરવા કહ્યું છે, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. વળી બે દિવસની મજબૂતી પછી આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. કનિષ્ક ગોલ્ડનું રુ.824 કરોડનું નવું કૌભાંડ આવ્યું હતું, જેથી આજે પીએસયુ બેંકોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી.

 • યુએસ ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં વધારો કર્યા પછી અમેરિકન સ્ટોક માર્કેટ ઘટ્યું હતું. બુધવારે રાત્રે ડાઉ જોન્સ 45 પોઈન્ટ ઘટીને 24,682 અને નેસ્ડેક 19 પોઈન્ટ ઘટી 7,345 બંધ હતો.
 • મિશ્ર ધાતુ નિગમનો આઈપીઓ બીજા દિવસે 31 ટકા સબ્સ્ક્રાઈબ થયો હતો. આ આઈપીઓ 23 માર્ચ સુધી ખુલ્લો રહેશે.
 • વક્રાંગી લિમીડેટના શેરમાં પહેલા 8 ટકાની અપર સર્કિટ અને ત્યાર પછી 5 ટકાની લોઅર સર્કિટ લદાઈ હતી.
 • આર કોમને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી, કોર્ટે આર કોમને પોતાની સંપત્તિ મુકેશ અંબાણીની માલીકીની રીલાયન્સ જીઓ ઈન્ફોકોમને વેચવા પર યથાસ્થિતી રાખવા નિર્દેશ આપ્યો છે. જે સમાચાર પછી આર કોમમાં વેચવાલી ફરી વળી હતી, અને શેરનો ભાવ 10 ટકા તૂટ્યો હતો.
 • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધીને 7 સપ્તાહની હાઈ પર પહોંચી ગયો હતો.
 • હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની(એચસીસી)ની સબસિડિયરી કંપની લવાસા કોર્પોરેશન નાદારી તરફ આગળ વધી છે. જે સમાચારથી એચસીસીના શેરના ભાવમાં 15 ટકાનું ગાબડું પડ્યું હતું.
 • બુધવારે એફઆઈઆઈએ રુ.98 કરોડની ખરીદી કરી હતી, તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.197 કરોડની ચોખ્ખી કરી હતી.
 • આજે નરમ બજારમાં પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી રહી હતી.
 • પીએસયુ બેંક, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, આઈટી, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી વેચવાલી ફરી વળતાં નરમાઈ આગળ વધી હતી.
 • રોકડાના શેરોમાં ભારે વેચવાલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 121.02 ઘટ્યો હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 180.30 માઈનસ બંધ હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]