નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ ગૂગલ, ફોનપે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓ વધારે એવી શક્યતા છે. ગૌતમ અદાણી ગ્રુપ ઈ-કોમર્સ અને નાણાકીય ક્ષેત્રમાં વેપાર વિસ્તરણની યોજના બનાવી છે. ગ્રુપ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) માટે લાઇસન્સ અરજી કરવાનું છે. આ સાથે કો-બ્રાન્ડેડ અદાણી ક્રેડિટ કાર્ડ માટે બેન્કોની સાથે વાતચીત પણ ગ્રુપ કરી રહ્યું છે. જોકે ગ્રુપના આ સમાચાર પર ટિપ્પણી કરવાનો ગ્રુપનાં ઉચ્ચાધિકારીઓએ ઇનકાર કર્યો હતો.
અદાણી ગ્રુપ બહુ જલદી ઈકોમર્સ અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં કૂદવાનું છે. કંપનીએ UPI લાઇસન્સ, ક્રેડિટ કાર્ડ અને ONDC દ્વારા ઓનલાઇન શોપિંગ સેક્ટરમાં આવવાની યોજના બનાવી છે. આ સેવા ‘અદાણી વન એપ’ દ્વારા શરૂ કરવામાં આવશે. કંપની બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કેટલીય બેન્કો સાથે ચર્ચા કરી રહી છે.
જો અદાણી ગ્રુપને મંજૂરી મળી જશે તો કંપની કન્ઝ્યુમર એપ અદાણી વન દ્વારા UPI અને ઇકોમર્સ સેવાઓનો લાભ લઈ શકાશે. કંપની એ એપ વર્ષ 2022માં લોન્ચ કરી હતી. એ હાલ હોટેલ અને ફ્લાઇટ બુકિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. ગ્રુપ હાલમાં નવા ગ્રાહકોને નવી સેવાઓનો લાભ આપશે. ત્યાર બાદ ગ્રુપ દ્વારા સંચાલિત એરપોર્ટ, ગેસ અને ઇલેક્ટ્રિસિટી સેવાઓથી જોડાયેલા ગ્રાહકોને પણ જોડવાના પ્રયાસ કરવામાં આવશે. તેમને લોયલ્ટી પોઇન્ટ્સ આપવામાં આવશે, જેનો ઉપયોગ તેઓ ઓનલાઇન શોપિંગ અને ડ્યુટી ફ્રી ખરીદી દરમ્યાન કરી શકશે. આને પગલે ગ્રુપ હાલના ગ્રાહકોનો વધુ સારો ઉપયોગ કરી શકશે.