મુંબઈઃ એક અહેવાલ મુજબ, આર્થિક મંદીને કારણે કર્મચારીઓને છૂટા કરવાની હાલ ચાલી રહેલી દોરમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ જેવી દિગ્ગજ ટેક કંપનીઓ પણ જોડાતાં ભારત સહિત દુનિયાભરમાં ટેક્નોલોજી ક્ષેત્રમાં જાન્યુઆરી મહિનામાં સરેરરાશ દરરોજ 3,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યાં છે.
વૈશ્વિક આર્થિક મંદીના ગભરાટને કારણે બરતરફીનો ટ્રેન્ડ વેગીલો બન્યો છે. અત્યાર સુધીમાં 166 જેટલી ટેક કંપનીઓ 65,000થી વધારે કર્મચારીઓ છૂટા કરી ચૂકી છે. કર્મચારીઓની છટણીને લગતી વિગતો પ્રસિદ્ધ કરતી રહેતી લેઓફ્સ ડોટ એફવાઈઆઈ નામની વેબસાઈટના જણાવ્યા મુજબ ટેક્નોલોજી ક્ષેત્રમાં સામુહિક છટણીની 2022માં જે શરૂઆત થઈ હતી તે 2023માં ચાલુ રહી છે. હવે તો એમાં ભારતીય કંપનીઓ તથા સ્ટાર્ટઅપ્સ પણ જોડાઈ છે. અનેક ભારતીય કંપનીઓ પણ સ્ટાફ ઘટાડી રહી છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની અગ્રગણ્ય વિપ્રો કંપનીએ 400 નવા કર્મચારીઓને કંગાળ કામગીરી બદલ નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એવી જ રીતે, ઓલા, સ્વિગી, ડન્ઝો જેવી કંપનીઓએ પણ ઘણા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે.