મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા ધારણા કરતાં સારા આવ્યા હોવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું.
3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.25 ટકા (99 પોઇન્ટ) ઘટીને 38,699 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,798 ખૂલીને 39,112ની ઉપલી અને 38,617 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાં યુનિસ્વોપ, ચેઇનલિંક, લાઇટકોઇન અને પોલીગોન ટોચના ઘટેલા કોઇન હતા. શિબા ઇનુ, એક્સઆરપી, સોલાના અને ડોઝકોઇનમાં ત્રણ ટકા સુધીની વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે દસ્તાવેજો પર ડિજિટલ સહી કરવા માટે ક્રીપ્ટો ટોકનનો ઉપયોગ કરી શકાય એવું સ્થાનિક વેબ બ્રાઉઝર બનાવવાનું આયોજન કર્યું છે. બીજી બાજુ, નાઇજિરિયા નેશનલ યુથ સર્વિસ કોરનાં સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માગે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સર્ટિફિકેટને લગતી છેતરપિંડી અટકાવવાનો છે.