FY23માં રોકાણકારોની સંપત્તિમાં 5.86 લાખ કરોડનો ઘટાડો થયો

અમદાવાદઃ દલાલ સ્ટ્રીટના રોકાણકારો માટે પાછલું નાણાકીય વર્ષ ખરાબ નીવડ્યું છે, કેમ કે ઊંચો ફુગાવાનો ડર, જિયોપોલિટિકલ સંઘર્ષ અને ઊંચા વ્યાજદરોને કારણે રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જેથી ઘરેલુ શેરબજારને ગયા નાણાકીય વર્ષમાં અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ, વિદેશી ફંડનો આઉટફ્લો અને વૈશ્વિક બેન્કિંગમાં ઊથલપાથલને કારણે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. 3.6 લાખ કરોડનો ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓનું એમકેપ FY22ના રૂ. 117.23 કરોડથી ઘટીને FY23માં ઘટીને રૂ. 113.58 કરોડ થયું હતું.

વૈશ્વિક સ્તરે વિકસિત દેશોમાં વધતા વ્યાજદર શેરબજારો માટે સૌથી વધુ અડચણ સાબિત થયા હતા. ફેડ દ્વારા મોટા પાયે વ્યાજદરમાં વધારાએ ઈક્વિટી અને બોન્ડની કિંમતો પર પ્રતિકૂળ અસર પાડી હતી. આ ઉપરાંત અમેરિકામાં ત્રણ બેન્કોની નાદારી અને યુરોપિયન બેન્ક ક્રેડિટ સુઇસમાં નાણાકીય સંકટે બજારોને હંગામી રીતે પ્રભાવિત કર્યાં હતાં.

ગયા નાણાકીય વર્ષ 2022-23માં BSEની લિસ્ટેડ કંપનીઓનું એમકેપ 5.86 લાખ કરોડ ઘટીને 2,58,19,896 કરોડ રહ્યું હતું. ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ એપ ટ્રેડિંગોના સંસ્થાપક પાર્થ ન્યાતીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 23માં ઈક્વિટી બજારની સામે મુખ્ય મુદ્દો નોંઘવારી હતી, જેના પરિણામસ્વરૂપ વિશ્વનાં બજારોમાં વ્યાજદરોમાં વધારો થયો હતો, જેથી રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો હતો.

BSE સેન્સેક્સ 17 જૂન, 2022એ એક વર્ષના નીચલા સ્તરે 50,921,22એ પહોંચ્યો હતો, જ્યારે એક ડિસેમ્બરે ઇન્કેક્સ 63,583.07ના ઓલ ટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.