મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઓચિંતી વૃદ્ધિ નોંધાઈ હતી અને બિટકોઇન ફરી એક વાર ઉંચકાઈને 40,000 ડોલરની સપાટીને ઓળંગી ગયો હતો. અમેરિકન ઈક્વિટી માર્કેટમાં સોમવારે શરૂઆતનો ઘટાડાનો પવન પલટાઈને કામકાજ બંધ થવાના સમયે બજારમાં મોટી વૃદ્ધિ નોંધાઈ હતી.
ચીનમાં કોવિડ રોગચાળો કાબૂમાં આવી રહ્યો નથી એ સંજોગોમાં વૈશ્વિક સ્તરે આર્થિક નરમાશનો માહોલ છે. તેને પગલે વ્યાજદરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં અમેરિકન ટેક્નૉલૉજી શેર ઉંચકાયા હતા.
હાલમાં બિટકોઇનમાં ઘટાડો નોંધાયો તેને પગલે ઘણા વ્હેલ્સે તેનું હોલ્ડિંગ વધાર્યું હતું. રોકાણકારોએ 1.65 અબજ ડોલર મૂલ્યના 40,000 બિટકોઇન ખરીદ્યા હોવાનું જાણવા મળે છે. પાછલા 24 કલાકમાં બિટકોઇન 5 ટકા ઉંચકાઈને 40,500ની નજીક પહોંચ્યો છે. બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી – ઈથેરિયમનો ભાવ આ સમયગાળામાં 6 ટકા વધીને 3,000 ડોલરની નજીક પહોંચ્યો છે.
ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરની ખરીદી કર્યા બાદ મસ્કનો ફેવરિટ મીમ કોઇન ડોઝકોઇન 30 ટકા કરતાં વધુ પ્રમાણમાં વધ્યો છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.50 ટકા (3,126 પોઇન્ટ) વધીને 59,965 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 56,838 ખૂલીને 60,597 સુધીની ઉપલી અને 56,612 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
56,838 પોઇન્ટ | 60,597 પોઇન્ટ | 56,612 પોઇન્ટ | 59,965 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 26-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |