બજેટમાં રેલવે માટે રૂ. 2.55 લાખ કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે. એને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે. નાણાં મંત્રીએ કેન્દ્રીય બજેટમાં રેલવે મંત્રાલય માટે રૂ. 2.55 લાખ કરોડની ફાળવણી કરી હતી, જેમાં આવકમાં રૂ. 3445.18 કરોડ અને કેપિટલ એક્સપેન્ડિચરમાં રૂ. 2.52 લાખ કરોડની ફાળવણી કરી હતી. જોકે બજેટમાં કોઈ મોટા એલાન નથી કરવામાં આવ્યા.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે માટે પણ મહત્વની જાહેરાત કરી છે. 2025ના બજેટમાં રેલવેના આધુનિકીકરણ અને વિકાસ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ નવી રેલવે લાઇન અને નવી ટ્રેનોની જાહેરાત પણ કરવામાં આવી છે.

સરકારે રેલવે બજેટમાં ફાળવેલા આ મૂડીરોકાણ હેઠળ નવી રેલવે લાઈનો બનાવવામાં આવશે. જૂના ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે અને હાઇ-સ્પીડ રેલ નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે. હાલમાં ચાલુ વંદે ભારત ટ્રેનોના વધુ વિસ્તરણની સાથે 100 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો મુખ્ય શહેરોને જોડશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. વધુમાં, રેલવેને 100 ટકા વિદ્યુતીકૃત અને ગ્રીન એનર્જી પર આધારિત બનાવવાનો પણ સંકલ્પ છે.

સરકારે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC)ના વિસ્તરણ માટે મોટા પાયે રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણથી ભારતીય રેલવેને એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવામાં મદદ મળશે, જેમાં નાના અને મધ્યમ વેપારીઓને ફાયદો થશે.

રેલવે સ્ટેશનોના સુધારા માટે 50 મુખ્ય સ્ટેશનોના આધુનિકીકરણ માટે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડિજિટલ ટિકિટિંગ, Wi-Fi, અને સેનિટેશન સુવિધાઓમાં સુધારો કરવાની કામગીરી પણ સામેલ છે.