અમદાવાદઃ ઘરેલુ શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. શરૂઆતના ટ્રેડમાં સેન્સેક્સ 898 પોઇન્ટ ઊછળ્યો હતો અને નિફ્ટી 24,980ને પાર થયો હતો, પરંતું ઊંચા મથાળે નફારૂપી વેચવાલી અને વૈશ્વિક નબળા સંકેતોને પગલે સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો હતો. FMCG, ઓટો અને ડ્યુબેલ્સમાં GST દરોમાં કાપને પગલે શરૂઆતમાં તેજી થઈ હતી, પરંતુ વિદેશી રોકાણકારોએ ભારે વેચવાલી કરતાં સેન્સેક્સ તૂટ્યો હતો. જોકે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 150 પોઇન્ટ વધીને બંધ થયો હતો.
સરકારે GSTના દરોમાં મોટા સુધારા કરતાં સ્થાનિક બજારોમાં જોરદાર તેજી થઈ હતી, જેને લીધે ઓટો, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં લેવાલ વધી હતી, પરંતુ ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી આવતાં શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી. આ સાથે FIIએ પણ રૂ. 1666 કરોડની વેચવાલી કરી હતી. ઘરેલુ રોકાણકારો 2495 કરોડની લેવાલી કરી હતી. જોકે અમેરિકી ટેરિફ અને કંપનીઓનાં નબળાં પરિણામો રોકાણકારોની ચિંતા વધારી હતી. વળી, ઘરેલુ શેરબજારોમાં વીકલી એકસપાયરીને કારણે પણ વેચવાલી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ રહ્યું. શાંઘાઈ અને હેંગસેંગ નીચે બંધ થયા, જ્યારે નિક્કી અને કોસ્પી વધીને બંધ રહ્યા હતા. ચીનમાં રેગ્યુલેટરી કુલિંગ અંગેની ખબરથી રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો હતો.
BSE પર કુલ 4280 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1812 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2318 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 150 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 141 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 50 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 219 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 152 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
